- બિહારની જનતા પર નીતીશકુમારનો જાદુ ચાલ્યો,
- મહાગઠબંધનના ખાતામાં અપેક્ષા કરતા ઓછી સીટો,નીતીશની માગમાં જોરદાર વધારો
- કારણ એટલું જ છે કે બિહારમાં જેડીયૂ ભાજપ માટે સંજીવની સાબિત થઈ રહી છે
લોકસભા ચૂંટણી-2024 માટે મતગણતરી શરૂ થયા પછી બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર સૌથી વધુ ચર્ચામાં છે. કારણ એટલું જ છે કે બિહારમાં જેડીયૂ ભાજપ માટે સંજીવની સાબિત થઈ રહી છે. રાજ્યમાં નીતીશકુમારની સામે લાલુ-તેજસ્વીનો પ્રભાવ ફીકો જોવા મળી રહ્યો છે.
બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. રાજ્યમાં ભાજપ અને નીતીશકુમારના પક્ષ જેડીયૂના ગઠબંધને ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. ભાજપે રાજ્યની કુલ 40 પૈકી 17 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેડીયૂ 16 બેઠકો પર મેદાનમાં હતી. છ બેઠકો રામવિલાસ પાસવાનના પક્ષ લોજપને ફાળવવામાં આવી હતી. એક બેઠક હિંદુસ્તાની અવામ મોરચાને ફાળવવામાં આવી હતી.
વિરોધપક્ષની વાત કરવામાં આવે તો ઇન્ડી ગઠબંધનના આરજેડીએ 26 બેઠકો, કોંગ્રેસે 9 બેઠકો તો ડાબેરીઓએ પાંચ બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
બિહારમાં નીતીશકુમારનો પક્ષ સારો દેખાવ કરી રહ્યો છે. મતગણતરી દરમિયાન રાજ્યમાં ભાજપ અને જેડીયૂ બરોબરીની 12-12 બેઠકો પર સરસાઈ ધરાવતા રહ્યા હતા. લોજપા પણ પાંચ બેઠકો પર અને એક બેઠક પર અવામી મોરચો પણ સરસાઈ ધરાવી રહ્યું હતો. મહાગઠબંધન માત્ર નવ બેઠકો પર સરસાઈ ધરાવતો રહ્યો હતો. આરજેડી 4 બેઠકો, કોંગ્રેસ 2 તો સીપીઆઇ(એમએલ) બે બેઠક પર સરસાઈ ધરાવતા હતા. અર્થાત તેજસ્વી યાદવના તમામ દાવા અને રેલીઓનો પ્રભાવ લોકો પર પડયો નહીં અને ફરી એકવાર બિહારની જનતા પર નીતીશકુમારનો જ જાદુ ચાલી ગયો.
કેન્દ્રની સરકારની રચનામાં નીતીશ મહત્ત્વની ભૂમિકા નિભાવશે
રાજ્યની પક્ષવાર સ્થિતિ અને કેન્દ્રની પક્ષવાર સ્થિતિઓ જોતાં નીતીશકુમાર કેન્દ્રમાં સરકાર રચનામાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે. એવી અટકળો પણ થવા લાગી હતી કે નીતીશકુમાર જો ફરી પલટી મારે તો વિરોધપક્ષને કેન્દ્રમાં સરકાર રચવાની તક મળી શકે છે. વિરોધપક્ષનું ગઠબંધન બહુમતીથી હજી પણ છેટે છે. ઇન્ડી ગઠબંધનના નેતાઓ હવે અન્ય પક્ષોનો પણ સંપર્ક સાધી રહ્યા છે. ગઠબંધનને સાથ આપવા તેમને મનાવવાના પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે.
લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય હારી
વર્ષ 2019ની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરી ચૂકેલી આરજેડી હાલમાં ચાર બેઠકો પર સરસાઈ ધરાવી રહી છે. લાલુપ્રસાદની મોટી પુત્રી મિસા ભારતી પાટલીપુત્ર બેઠક જીતી ચૂક્યા છે. પરંતુ રાજ્યમાં આરજેડીનો દેખાવ સારો નથી રહ્યો. સીપીઆઇ( એમએલ)એ ત્રણ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા તે પૈકી આરા અને કારાકાટની બે બેઠકો પર તે સરસાઈ ધરાવતો હતો. અવામી મોરચના ગયા બેઠકના ઉમેદવાર જીતનરામ માંઝી ચૂંટણી જીતી ચૂક્યા છે. પૂર્ણિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર પપ્પુ યાદવ ચૂંટણી જીતી ચૂક્યા છે. બેગુ સરાયમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપ સાંસદ ગિરિરાજસિંહ પણ ચૂંટણી જીતી ચૂક્યા છે.


