જેનો ડર હતો એ જ થયુ! રાજકોટનો પ્રવેશદ્વાર માધાપર ચોકડીએ સામાન્ય વરસાદમાં પણ હાલત હાડપીંજરથી પણ બદતર બની ગઇ છે. આર.એન્ડ.ડી.એ ઓવરબ્રિજ તો બનાવ્યો પણ પ્રથમ વરસાદમાં જ પુલ નીચેની હાલત બદ-થી-બદતર બની ગઇ. બ્રિજ સિવાયનો રોડ બનાવવાની મનપાએ પણ તસ્દી ન લીધી. શહેરમાં હજુ એકસાથે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો જ નથી. સામાન્ય ઝાપટાંમાં રોડમાંથી ભ્રષ્ટાચાર મોઢુ ફાડીને બહાર નીકળ્યો છે. ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે અને તેમા વાહનચાલકો ફંગોળાઇ રહ્યા છે. એક તો હાઇ-વેને જોડતો આ માર્ગ છે. ચોવીસ કલાક ટ્રક સહિત હેવી વાહનોની સતત અવરજવર રહે છે. દિવસે તો અહીંથી નીકળવુ એટલે રિતસર મોત ભાળી જવાય તેવી હાલત વચ્ચે ભ્રષ્ટાચારના આ ખાડા ઓળંગતા નીકળવુ પડે ત્યારે વાહનચાલકોના જીવ સતત ઉચક રહે છે.
વિકાસશીલ ગુજરાત, પ્રગતિ શીલ ગુજરાતની પોલ ખુલેલી જોવી હોય તો રાજકોટના પ્રવેશદ્વાર માધાપર ચોકડીએ અચુમ મુલાકાત લેવી પડે! આમતો સમગ્ર શહેરની હાલત આવી જ છે. સામાન્ય વરસાદમાં પણ નવાનકોર રોડ હતા-ન-હતા થઇ ગયા છે. અમુક જગ્યાએ તો કહેવાતા ડામર રોડમાં ધરબાયેલા માટીના ઢેફા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે. માધાપર ચોકડીએ આવી જ હાલત છે. સામાન્ય વરસાદમાં પણ નરકથી પણ બદતર હાલત થઇ ગઇ છે. બ્રિજ નીચે સર્વિસ રોડ તેમજ માધાપર ચોકડીથી બેડી તરફ, માધાપર ચોકડીથી જામનગર રોડ અને શહેરની અંદર અયોધ્યા ચોક તરફ એમ તમામ ચારેય માર્ગો હાડપીંજરથી પણ બદતર હાલતમા થઇ ગયા છે. મનપા કહે છે કે, બ્રિજ અને સર્વિસ રોડ આર.એન્ડ.ડી.એ બનાવ્યો છે. તો આર.એન્ડ.ડી. કહે છે કે, સર્વિસ રોડ બનાવવાની અને રીપેર કરવાની જવાબદારી મનપાની છે. આમ બન્ને તંત્ર વચ્ચે જવાબદારીના ચલકચલાણુ વચ્ચે જનતાનો મરો થઇ રહ્યો છે.
મેયરે તમામ ૧૮ વોર્ડમાં ‘મેયર તમારા દ્વારે’ શિર્ષક હેઠળ લોકદરબાર શરૂ કર્યો છે. જો કે ટીઆરપી કાંડ પછી પાર્ટીના ડેમેજ કન્ટ્રોલ માટે પ્રજા વચ્ચે જવાનો એજન્ડા હોય એવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. આશય સારો છે. પ્રજાની સમસ્યાને રૂબરૂ સાંભળવા જવાનો. ત્યારે રાજકોટની જનત મેયર નયનાબેન પેઢડિયાને આમંત્રણ આપી રહ્યા છે કે, એકવાર માધાપર ચોકડીના દ્વારે પણ આવો અને જુઓ કેવી હાલત છે.
માધાપર ચોકડીએ પહેલા કરતા ટ્રાફિક બમણો થઇ ગયો છે. તેનુ કારણ એ છે કે, સાંઢિયાપુલ બંધ થયા બાદ રેલનગરના સંતોષીનગર અને રોણકી બાજુની વસાહતમાં રહેણા સેંકડો લોકોને ફરજિયાતપણે માધાપર ચોકડી થઇને જ આવવુ પડે છે. આ તમામ લોકો ભ્રષ્ટાચારના ભોરીંગ સમા બિસ્માર રોડની હાડમારી વેઠી રહ્યા છે. કમરના મણકા ખખડી જાય તેવા ખાડામાંથી નીકળતા વાહનચાલકો રિતસર તોબા પોકારી ઉઠે છે.
અક્કલનું દેવાળુ ફૂંકવામા રાજકોટ મહાનગરપાલિકાને કોઇ ન પહોંચે, વિશ્વ આખામાં મનપાનું દ્રષ્ટાંત આપવુ પડે તેમ છે. આમતો તેના અનેક જીવતા જાગતા અને આજીવન ઘર થઇ ગયેલા અનેક દાખલાઓ છે. પછી તે રેલનગરનું બોગદા જેવુ નાલુ હોય કે પછી મહિલ કોલેજ અન્ડરબ્રિજ, મક્કમ ચોકથી ગોંડલ રોડ તરફનો બ્રિજ હોય કે બેથી ત્રણ ઇંચ વરસાદમાં ઘુઘવતી નદી બની જતો બીઆરટીએસ રોડ! શહેરની સમસ્યામાં વધારો કરતા આવા પ્રોજેક્ટમાં હવે આર.એન્ડ.બી.(માર્ગ અને મકાન વિભાગ) પણ અક્કલનું પ્રદર્શન થાય તેવી હરકત માધાપર ચોકડીએ નવા બનેલા બ્રિજ નીચે વ્હીક્યુલર અન્ડરપાસ એટલે કે બ્રિજ નીચેથી પસાર થતા રોડની નીચેથી વધારાનો અન્ડરબ્રિજ કાઢવાનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેનાથી દર વર્ષે ચોમાસામાં મુસીબતોનો કોઇ પાર રહેવાનો નથી એ તેવુ ચોખ્ખેચોખ્ખુ ભયસ્થાન દેખાઇ રહ્યુ છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ એ છે કે, મધાપર ચોકડીની ભૌગોલિક સ્થિતિ એક રકાબી જેવી છે. એટલે ચોકડીની ચારેય દિશાએથી વરસાદી પાણી માધાપર ચોકડીએ ભરાય છે. જામનગર રોડ, નાગેશ્વર, માધાપર ચોકડીથી રોણકી તરફની વસાહતના હજારો લોકો વર્ષોથી આ યાતના વેઠી જ રહ્યા છે. અને એમાયે જો અહીંથી વ્હીક્યુલર અન્ડબ્રિજ કાઢવામા આવશે તો લખી રાખજો કે હાલત ઉલમાથી ચુલામામાં પડવાનું નક્કી છે.