સુરત શહેરમાં પ્રતિબંધિત ‘ગોગો પેપર’ના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ મામલે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઇન સપ્લાય ચેઈન અને છૂટક વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. SOG દ્વારા સીટી લાઈટ વિસ્તારમાં એક ઓનલાઇન વેબસાઇટના ગોડાઉન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી ‘ગોગો પેપર’નો જથ્થો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગોડાઉનનો ઉપયોગ ગેરકાયદેસર રીતે ‘ગોગો પેપર’ના વેચાણ માટે ઓનલાઇન વેબસાઈટ મારફતે થતો હતો. પોલીસે આ ગોડાઉન સંબંધિત વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઓનલાઇન વેચાણ પર પોલીસની નજર
આ ઉપરાંત, સુરત પોલીસે શહેરમાં છૂટક વેચાણ કરતા પાનના ગલ્લા વિક્રેતાઓ સામે પણ લાલ આંખ કરી છે. પોલીસે ઉમરા, અઠવા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું અને ગેરકાયદેસર રીતે ‘ગોગો પેપર’નું વેચાણ કરતા 18 પાનના ગલ્લા વિક્રેતાઓની ધરપકડ કરી છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, યુવાનો અને સગીરોમાં નશાના દ્રવ્યોના વધતા ચલણને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ગેરકાયદેસર વેપારના મૂળ સુધી પહોંચી શકાય.
આ પણ વાંચો : Gandhinagar News : તૈયારી કરી લો! ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 395 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત


