આર્જેન્ટિનાના ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીના ભારત પ્રવાસની શરૂઆત જ વિવાદ સાથે થઈ. કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાયેલી “GOAT ઇન્ડિયા ટૂર 2025” ઇવેન્ટના પહેલા દિવસે અંધાધૂંધી સર્જાઈ હતી. હજારો ચાહકોએ મેસ્સીની એક ઝલક જોવા માટે ₹4,000થી ₹12,000 સુધીની ટિકિટ ખરીદી હતી. પરંતુ મેસ્સી માત્ર 10–15 મિનિટ માટે સ્ટેડિયમમાં હાજર રહ્યા અને તરત જ નીકળી જતા ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો.
મેસ્સીના આવ્યા બાદ થયો હંગામો
મેસ્સીના આવ્યા બાદ કેટલાક ચાહકોએ બોટલો ફેંકી, ખુરશીઓ તોડી, બેરિકેડ્સ તોડી અને મેદાનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો. આયોજકો સામે સૂત્રોચ્ચાર થતાં પરિસ્થિતિ વધુ બગડી. સમગ્ર ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને આયોજન પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા.
CM મમતા બેનર્જીએ શું કહ્યું?
મમતા બેનર્જીએ જણાવ્યું કે તેઓ સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમમાં હજારો રમતપ્રેમીઓ અને ફૂટબોલ ચાહકો સાથે હાજર થવાની હતી, જેઓ મેસ્સીની એક ઝલક જોવા માટે આતુર હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન થયેલી અંધાધૂંધી અને ગેરવહીવટથી તેઓ અત્યંત દુઃખી અને આઘાત પામ્યા. મુખ્યમંત્રીએ પોતાની પોસ્ટમાં લિયોનેલ મેસ્સી સહિત તમામ રમતપ્રેમીઓ અને ચાહકોની હૃદયપૂર્વક માફી માંગી. તેમણે કહ્યું કે આ ઘટના રાજ્ય સરકાર તેમજ સંકળાયેલા તમામ પક્ષો માટે શરમજનક છે અને આવી પરિસ્થિતિ ફરી ન બને તે જરૂરી છે.
તપાસ સમિતિની જાહેરાત
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરી. નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અશીમ કુમાર રેના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં રાજ્યના મુખ્ય સચિવ તેમજ ગૃહ અને પહાડી બાબતોના વિભાગોના અધિક મુખ્ય સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરશે, અંધાધૂંધી માટે જવાબદાર કોણ છે તે નક્કી કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં સૂચવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે જવાબદારી નક્કી કરવામાં આવશે અને બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : UP ભાજપ અધ્યક્ષ પદ માટે પંકજ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી, CM યોગી આદિત્યનાથ પ્રસ્તાવક બન્યા


