માંડલના શ્રી ખંભલાય માતાજીધામમાં તા.14મીથી 24 ડીસેમ્બર 11 દિવસીય શ્રી મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગના અવસરને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુરુવારે પ્રસંગ શરૂ થાય એ પહેલાં ખંભલાય ટ્રસ્ટ દ્વારા સંપુર્ણ માહિતી અપાઈ હતી. ટ્રસ્ટના માનદમંત્રી મુકેશભાઈ રાવલ (રાજકોટ) દ્વારા જણાવાયું કે, માંડલ એક અધ્યયન એવા પુસ્તકમાં માંડલનો ઈતિહાસ 8 હજાર વર્ષ જુનો બતાવ્યો છે. શ્રી ખંભલાય માતાજી ચામુંડા સ્વરૂપમાં મુળ પ્રગટ થયેલ જેનો ઈતિહાસ 800 વર્ષ પૌરાણિક છે. માંડલના 8 હજાર વર્ષના ઈતિહાસમાં લક્ષચંડી નામના યજ્ઞનો કોઈ ઈતિહાસ જોવા મળતો નથી, એટલે આ નગરમાં 8 હજાર વર્ષો પછી આવો મહામુલો અવસર આવ્યો છે. લક્ષચંડી યજ્ઞ એ માતૃભક્તિનો સૌથી મોટામાં મોટો અને અંતિમ યજ્ઞ છે એનાથી ઉપર કોઈ યજ્ઞ શાસ્ત્રોમાં બતાવ્યો નથી. લક્ષ એટલે લાખ અને ચંડી એટલે માતાજી, 1 લાખ કરતાં વધારે ચંડીપાઠ જેને દુર્ગાશપ્તસતી કહેવાય જેની રચના માર્કડેંય ઋષિએ કરેલી. લક્ષચંડીમાં 13 અધ્યાય, 700 શ્લોક અને 216 મંત્રો આવે છે અને 916 મંત્રોની એક આહુતિ બતાવવામાં આવી છે જ્યારે આખો ચંડીપાઠ પુર્ણ થાય છે. લક્ષચંડી પાઠ એ કલ્પવૃક્ષ સમાન છે. આવા દેવતાઓને પણ દુર્લભ મહાયાગનો આ ઉત્સવ માંડલના આંગણે યોજાવા જઈ રહ્યો છે, આ ઉત્સવમાં 400 કિલોગ્રામ શુદ્ધ ઘીનો ઉપયોગ થશે, કેસર-ડ્રાયફ્રુટ, હવન સામગ્રી, ઉદ, કેસર, કેસરનો અર્ક અને વિવિધ ઔષધિઓ થકી અને શુદ્ધ પાયસની મદદની 1 કરોડ 8 લાખ આહુતિ 11 દિવસની અંદર 255 ભાગ્યશાળીઓ યજમા, 108 ચીત્રકુટી ભુદેવો એમ થઈ કુલ 363 કુંડ ઉપર હોમવામાં આવશે. માંડલ ખંભલાય માતાજીના નીજ મંદિરે તા.05/05/201પથી અખંડિત નવચંડી યજ્ઞ છેલ્લાં દસ વર્ષથી યોજાય છે, ધનતેરસે પુર્ણ કરાયેલ 6 માસનું લક્ષચંડી પાઠાત્મક મહાઅનુષ્ઠાન અને 1 કરોડથી વધુ આહુતિ એટલે ખંભલયા ધામમાં ત્રણ વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યાં છે.
તા.23 ડીસેમ્બરના રોજ વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહેશે અને ત્રણ ખંભલાય ધામના ત્રણ વર્લ્ડ રેકોર્ડ લખશે અને ત્રણ સર્ટીફીકેટ ટ્રસ્ટને એનાયત કરશે. આ પ્રસંગને લઈ તાજેતરમાં રીલીઝ થયેલ લાલો ફીલ્મના એકટર્સ, રાજ્યના રાજકીય મહાનુભાવો, સમાજ અગ્રણીઓ તેમજ રાજ્યના ખુણેખુણામાંથી અને દેશ-વિદેશમાં વસતાં હજારો માઈભક્તો દર્શનાર્થે ઉમટી પડવાના છે. ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા વૈદિક વાંસની યજ્ઞશાળા ઉભી કરાઈ, યજ્ઞ કુંડ રંગરોગાન, ભોજનાલયની વ્યવસ્થા, મહેમાનોના ઉતારા સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


