સુરતની કતારગામ GIDC વિસ્તારમાં આવેલા એક મંડપ સર્વિસના ગોડાઉનમાં આજે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતની કતારગામ GIDCમાં આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામ GIDC માં આવેલ મંડપ સર્વિસના પતરાના શેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.આગની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની પાંચથી છ જેટલી ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે
ફાયર ફાઇટરો દ્વારા યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મંડપ સર્વિસના ગોડાઉનમાં રાખેલો સામાન મોટા પાયે બળીને ખાક થયો હોવાની આશંકા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવ્યા બાદ આગ લાગવાના કારણો અને નુકસાન અંગે તપાસ હાથ ધરશે.


