- ગલગોટા રૂ. 30થી 50 અને ગુલાબના ફૂલ કિલોના 140-160
- તહેવારોની શરૂઆત થતાં જ ફૂલબજારમાં લોકોની ભારે ભીડ
- કેટલાક વેપારીઓ 30થી 40 ટકા ભાવ વધારો કરી હોલસેલમાં વેચતા હોવાની ચર્ચા
તહેવારોની શરૂઆત થતાં જ ફૂલબજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને નવરાત્રિ પર્વના સમયે ફૂલોની આવકમાં વધારો થતાં આ વર્ષે બજારમાં ફૂલોની માગની સામે ફૂલોનો સ્ટોક પુરતો જોવા મળી રહ્યો છે. શહેરના જમાલપુર ફૂલબજારમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. સામાન્ય દિવસો કરતાં આ વર્ષે વેપાર પણ સારો રહેતાં વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગલગોટા રૂ.30થી 50 અને ગુલાબ રૂ. 140થી 160 કિલો હોલસેલ ભાવે વેચાઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે કેટલાક વેપારીઓ દ્વારા હોલસેલ ભાવમાં પણ તોતિંગ વધારો કરવાથી ઘણી જગ્યાઓ પર ફૂલોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્ય દિવસોમાં ગુલાબની માળા રૂ. 50થી 70માં વેચાતી હોય છે પરંતુ હાલ રૂ. 100થી 120 ગુલાબની માળા વેચાઈ રહી છે. આ મામલે છુટક ફૂલ વેચનાર લોકો જણાવી રહ્યા છેકે, કેટલાક વેપારીઓ ફૂલોની આવક વધારો હોવા છતાંય તહેવારમાં લોકોની માગનો ફાયદો ઉઠાવી હોલસેલના ભાવ વધારે લેતાં હોવાથી અમોને થોડા ઉંચા ભાવે વેચવા મજબુર થવું પડી રહ્યુ છે. ફૂલોના ભાવ અંગે જમાલપુર ફૂલ બજારમાં કેટલાક વેપારીઓ ગલગોટા અને ગુલાબ ભાવ કરતાં 30થી 40 ટકા વધારે સાથે હોલસેલમાં વેચતાં બજારમાં ફૂલ થોડા મોંઘા ભાવે વેચી રહ્યા છે. તહેવારના સમયે બહારથી આવતા ફૂલોનો સ્ટોક વધારે આવી રહ્યો હોવાથી આ વર્ષે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો વધુ સ્ટોક આવ્યા બાદ પણ ફાયદો ઉપાડીને મોંઘા ભાવે વેચાણ કરતાં હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે