- રાષ્ટ્રપતિ પદના દાવેદાર જોર્જ અલ્વારેઝ મેનેઝના ભાષણને લઈ મંચ બનાવવામાં આવ્યો હતો
- આ દુર્ઘટના બાદ જોર્જ અલ્વારેઝ મેનેઝે ચૂંટણી અભિયાન રોકી દીધું હતું
- જોર્જ અલ્વારેઝ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું
મેક્સિકોમાં ભારે પવનને કારણે ચૂંટણી પ્લેટફોર્મ તૂટી પડતાં નવ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં 63 લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટના મેક્સિકોના ન્યુવો લિઓન રાજ્યમાં બની હતી, જ્યાં ચૂંટણી પ્રચાર માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ પદના દાવેદાર જોર્જ અલ્વારેઝ મેનેઝ આ મંચ પરથી લોકોને સંબોધિત કરવાના હતા.
ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં મેનેઝ સ્ટેજ પર પહોંચતા અને ત્યાં હાજર સમર્થકોને હાથ હલાવીને અભિવાદન કરતા જોવા મળે છે. આ દરમિયાન જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે સ્ટેજ પર લાગેલી મોટી સ્ક્રીન અને સ્ટ્રક્ચર પડી ગયું હતું. કોઈક રીતે મેનાગે ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ પછી, સ્ટેજની અન્ય રચનાઓ પણ તૂટી પડી હતી, જેમાં 9 લોકો કચડાઈને મોતને ભેટયા હતા અને 63 લોકો ઘાયલ થયા હતા. વાયરલ વીડિયોમાં સ્ટેજ ધરાશાયી થયા બાદ લોકો નાસભાગ અને ચીસો પાડતા સંભળાય છે.
જોર્જ અલ્વારેઝ મેનેઝે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરતા તેમનું ચૂંટણી અભિયાન બંધ કરી દીધું હતું. મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ લોપેઝ ઓબ્રાડોરે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. હવામાનને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન નીકળવાની અપીલ કરી છે. મેક્સિકોમાં 2 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે.


