મેક્સિકોએ ભારતીય ઉત્પાદનો પર 50 ટકા સુધી ટેરિફ વધારવાનો નિર્ણય લીધો બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે જણાવ્યું છે કે ભારતીય નિકાસકારોના હિતોની રક્ષા માટે તે જરૂરી નિર્ણયો લેવાનો અધિકાર ધરાવે છે. એક સરકારી અધિકારીએ શનિવારે કહ્યું, ભારત ભારતીય નિકાસકારોના હિતોની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવાનો અધિકાર રાખે છે, સાથે સાથે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ પણ ચાલુ રાખશે.આ નિર્ણય પૂરી રીતે એક તરફી છે.
બંને દેશો માટે ફાયદાકાર ઉકેલ
ભારતીય અધિકારી મુજબ, આ બિલના પ્રારંભિક પ્રસ્તાવના સમયથી જ ભારતે મેક્સિકો સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. વાણિજ્ય વિભાગ વૈશ્વિક વેપાર નિયમો અનુસાર બંને દેશો માટે લાભદાયક ઉકેલ શોધવા માટે મેક્સિકોના અર્થતંત્ર મંત્રાલય સાથે સંપર્કમાં છે. આ સંદર્ભમાં વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ અને મેક્સિકોના ઉપ અર્થતંત્ર મંત્રી લુઇસ રોસેન્ડો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ ચૂકી છે. આગળ પણ વાતચીત કરવાની યોજના છે. ભારત સરકારે જણાવ્યું કે પૂર્વ ચર્ચા વિના મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ટેરિફને એકતરફી રીતે વધારવું બંને દેશોના સહકારપૂર્ણ આર્થિક સંબંધોની સુરક્ષા સામે છે.
બંને દેશો વચ્ચે વાતચીત શરૂ
ભારત અને મેક્સિકો મુક્ત વેપાર કરાર (FTA) અંગેની વાતચીત પણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે FTA થવાથી ભારતીય કંપનીઓને આ ટેરિફમાંથી છૂટ મળી શકે છે. આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે વૈશ્વિક વેપારમાં ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. મેક્સિકોનું આ પગલું સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવા અને આવક વધારવા માટે છે, પરંતુ તેના કારણે કિંમતોમાં વધારો થવાની શક્યતા છે
ભારતીય ઓટોમોબાઇલ નિકાસ પર મોટો પ્રભાવ
મેક્સિકો ભારત માટે ત્રીજું સૌથી મોટું કાર નિકાસ બજાર છે. અહીં ભારત અંદાજે 1 અબજ ડોલર (લગભગ 8,500 કરોડ રૂપિયા)ની કારો અને પાર્ટ્સ નિકાસ કરે છે. ફોક્સવેગન, હ્યુન્ડાઈ, નિસાન અને મારુતિ સુઝુકી જેવી મુખ્ય કંપનીઓ પર તેની અસર પડશે. કારો પરનો ટેરિફ 20 ટકાથી વધીને 50 ટકા થઈ જશે. ભારતીય અધિકારીએ કહ્યું, ભારત મેક્સિકો સાથેની પોતાની ભાગીદારીને મહત્વ આપે છે અને બંને દેશોના વેપારીઓ તથા ગ્રાહકોના લાભ માટે સ્થિર અને સંતુલિત વેપાર વાતાવરણ ઊભું કરવા માટે સાથે કામ કરવા તૈયાર છે.


