- અમેરિકામાં બેરોજગારીનો દર વર્ષનાં અંતે વધીને 4.4 ટકા થવાની સંભાવના
- 2024માં નવી નોકરીઓનાં સર્જનમાં તીવ્ર તંગીની શક્યતા દર્શાવવામાં આવી છે
- ફેડ રિઝર્વ દ્વારા પણ ઈકોનોમીનું નિરાશાજનક ચિત્ર
અમેરિકાની કોંગ્રેસનલ બજેટ ઓફિસ (CBO) દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ અમેરિકાની ઈકોનોમી અંગે ધૂંધળું ચિત્ર દોરી રહ્યો છે. 2024માં લાખો અમેરિકનો તેમની નોકરી ગુમાવે તેવી પૂરેપૂરી સંભાવના તેમાં વ્યક્ત કરવામાં આવી છે. વર્ષનાં અંતે બેરોજગારીનો દર 3.9 ટકાથી વધીને 4.4 ટકાએ પહોંચી શકે છે. આને કારણે બેકારોની સંખ્યામાં અસાધારણ વધારો થઈ શકે છે. 2024માં અમેરિકાની ઈકોનોમી માટે રિપોર્ટમાં ધૂંધળું ચિત્ર દોરવામાં આવ્યું છે. વપરાશી ચીજો માટેનાં ખર્ચની નબળી સ્થિતિ, બિનનિવાસીઓ દ્વારા ઓછું રોકાણ, નિકાસમાં ઘટાડો જેવા પરિબળોને કારણે અમેરિકાની ઈકોનોમીને ફટકો પડયો છે અને આર્થિક મોરચે મોટાપાયે ધોવાણ થયું છે. સરકાર દ્વારા સરકારી ખર્ચમાં કરાયેલો જંગી વધારો તેમજ નીચા ટેક્સનાં દર છતાં આ પરિબળો ઈકોનોમી પર હાવી થઈ ગયા છે.
નોકરીની તંગી : સીબીઓનો રિપોર્ટ જણાવે છે કે લેબર માર્કેટનાં હાલનાં ટ્રેન્ડ મુજબ ચાલુ મહિનાનાં પહેલા અઠવાડીયામાં 2,02,000 લાખ લોકોએ બેકારીનાં લાભ મેળવવા દાવો કર્યો હતો. કુલ 1.87 મિલિયન કામદારો હજી બેકારી ભથ્થું મેળવી રહ્યા છે નવી નોકરીઓનાં સર્જનમાં તીવ્ર તંગીનાં નિર્દેશ કરે છે.
ફેડ રિઝર્વ દ્વારા પણ ઈકોનોમીનું નિરાશાજનક ચિત્ર
ફેડનાં મતે 2024માં GDP ગ્રોથ ઘટીને 1.4 ટકા રહેવાની સંભાવના છે. જો કે પછીનાં વર્ષોમાં GDP ગ્રોથ વધી શકે છે. 2024નાં અંત સુધીમાં બેકારીનો દર વધીને 4.1 ટકા થવાની ફેડની ધારણા છે. જો કે ફેડ દ્વારા માર્ચ 2024 પછી વ્યાજ દરમાં ઘટાડો કરીને ફુગાવો ઘટાડવા તેમજ નબળી પડેલી ઈકોનોમીમાં તેજી લાવવા પગલાં લેવાશે તેવા સંકેતો છે.


