- બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોના લાખો ટેકેદારો માર્ગ પર ઉતરી પડયાં
- રેલીમાં ઈઝરાયેલને સમર્થન આપવામાં આવ્યું
- પૂર્વ રાષ્ટ્રપતિએ સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન યોજયું
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સાત લાખથી વધુ ટેકેદારો ફરી એકવાર રસ્તા પર ઉતરી પડયાછે. તેમણે બોલ્સોનારો સામે બળવાના પ્રયાસના આરોપોનો વિરોધ કર્યો હતો. ચૂંટણી પ્રતિબંધનો પણ વિરોધ કર્યો હતો. ભારતીય સમય અનુસાર, રવિવારે મોડી રાત્રે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બોલ્સોનારોની જાન્યુઆરી 2023માં થયેલી હિંસા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના પર ઓક્ટોબર-2022માં યોજાયેલી ચૂંટણીમાં હાર બાદ સત્તાપલટવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. બોલ્સોનારોએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા.
તેમણે કહ્યું- બળવો કેવી રીતે થાય છે? જ્યારે સૈન્યની ટેન્ક રસ્તાઓ પર ફેરવવામાં આવે છે, ત્યારે લોકો પાસે શસ્ત્રો હોય છે, પરંતુ જાન્યુઆરી 2023માં આવું કંઈ બન્યું ન હતું. મેં બળવાનો પ્રયાસ કર્યો નથી
આ વિરોધ પ્રદર્શનમાં બોલ્સોનારો પણ હાજર રહ્યા
બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં બોલ્સોનારોના સમર્થકોએ રેલી કાઢી હતી. આ પ્રદર્શનને બોલ્સોનારોએ પોતે બોલાવ્યું હતું. તેમણે 20 મિનિટનું ભાષણ આપ્યું હતું. જેમાં તેમની સામેના આરોપોને ખોટા જાહેર કરાયા હતા. લોકોને રસ્તા પર ઉતરીને પોતાની શક્તિપ્રદર્શ કર્યું હતું અને બાદમાં તેઓ રેલીમાં જોડાઈ ગયા હતા.
વિરોધમાં કાઢેલી રેલીમાં ઈઝરાયેલને સમર્થન આપ્યું હતું
બોલ્સોનારો અને તેમના સમર્થકો રેલીમાં ઈઝરાયેલના ધ્વજ લઈને ફરતા જોવા મળ્યા હતા. તેઓએ લુલા દા સિલ્વાના વિરોધમાં અને ઇઝરાયલના સમર્થનમાં આ ધ્વજ રાખ્યા હતા. હકીકતમાં, તાજેતરમાં લુલા દા સિલ્વાએ કહ્યું હતું – નેતન્યાહુ ગાઝામાં નરસંહાર કરી રહ્યા છે. તેઓ પેલેસ્ટિનિયનો પર જે જુલમ ગુજારે છે તે હિટલરે યહૂદીઓ પર જેવો જ જુલમ કર્યો હતો. ગાઝામાં ઇઝરાયેલનું ઓપરેશન હોલોકોસ્ટ જેવું છે.
હોલોકોસ્ટ એ ઈતિહાસનો નરસંહાર હતો જેમાં છ વર્ષમાં અંદાજે 60 લાખ યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી. તેમાંથી 15 લાખ માત્ર બાળકો હતા. જર્મનીમાં એડોલ્ફ હિટલર સત્તા પર હતો ત્યારે આ હત્યાકાંડ થયો હતો. બ્રાઝિલના લોકોએ આ નિવેદનનો વિરોધ કર્યો હતો.


