- સરકારી બસ સાથે દુર્ઘટના
- બ્રેક ફેઈલ થતા બસ સીધી પાણીમાં ખાબકી
- તમામ પેસેન્જરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા
ઉપલેટા-જામનગનર રૂટની એસટી બસને અકસ્માત નડ્યો હોવાની જાણકારી સામે આવી છે. ભાણવડ પાસે બ્રેક ફેઈલ થતાં એસટી બસ પુલ નીચે ખાબકી હતી. જો કે સદ્ભાગ્યે કોઈ પણ પેસેન્જરની જાનહાનિ થતાં ટળી હતી.
આજનો દિવસ સરકારી બસો માટે જાણે કે ભારે હોય તેમ ગુજરાતમાં વધુ એક એસટી બસ સાથે દુર્ઘટના બનવા પામી હતી. હકીકતે આ બનાવની વિગત પ્રમાણે જોઈએ તો ઉપલેટાથી જામનગર રૂટની એસટી બસને દ્વારકાના ભાણવડ પાસે એક અકસ્માત નડ્યો હતો. ચાલુ બસમાં બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેથી બસ પર ડ્રાઈવરનો કંટ્રોલ થઈ શક્યો નહોતો અને બસ સીધી પુલ પરથી નીચે પાણીમાં ખાબકી હતી.
મહત્વનું છે કે આ બસમાં 15-20 જેટલા પેસેન્જરો સવાર હતા. આ બસની બ્રેક ફેઈલ થવાની જાણકારી મળતા જ તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટાઈ ગયા હતા. નજર સામે જાણે કે મોત તલવાર તાણીને ઉભી ગયું હોય તેમ તમામ મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જો કે સદ્નસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળવા પામી હતી. કોઈ પણ મુસાફરને જીવ ગુમાવવાની નોબત આવી નથી. જાણકારી પ્રમાણે આ દુર્ઘટનામાં 3-4 લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. જેમને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મહત્વની જાણકારી પ્રમાણે ભાણવડના ધારાગર પાસે બસને આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પુલ પરથી બસ સીધી પાણીમાં ખાબકતા મોટી દુર્ઘટના બની શકે તેમ હતી પરંતુ સદ્ભાગ્યો કોઈ પણ જાનહાનિ વગર જ આ દુર્ઘટના બની હતી અને ઈજાગ્રસ્તોને પણ સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. જેમની સારવાર પણ હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી હતી.