- વાડજમાં આગ લાગવાની ઘટના
- ટ્રકમાં લાગી ભીષણ આગ
- ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ
અમદાવાદના વાડજ પાસે એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં એક ટ્રક ભડ ભડ કરતો સળગી ઉઠ્યો હતો. જેની બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
હાલના દિવસોમાં ગુજરાતમાં આગની ઘટનાઓ ઘણીવાર સામે આવી રહી છે, ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં અથવા ઈન્ડસ્ટ્રીયલ વસાહતોમાં આવા પ્રકારની ઘટનાઓ સામાન્યપણે જોવા મળતી હોય છે. આ વખતે અમદાવાદમાં વાડજ શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અહીં એક ટ્રકમાં આગ લાગી હતી જે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ ફાયર ફાઈટરોએ ભારે જહેમતે આ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આ બનાવની વિગતો પ્રમાણે આ ઘટના વાડજમાં આવેલી રબારી વસાહત પાસે બનવા પામી હતી, જેમાં અચાનક એક ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી. આ એક કન્સ્ટ્રક્શન સાઈટ પાસે બનેલી ઘટના હતી, જેમાં ટ્રકમાં આગ લાગી ગઈ હતી. આગે બહુ થોડા સમયમાં જ ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું અને ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ચડ્યા હતા. આ દરમિયાન પાસે રહેલી અદાણી ગેસ લાઈનમાં પણ આગ લાગી ગઈ હતી અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાના પગલે ફાયરવિભાગના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. સૂચના મળતાં જ ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. પહેલા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આખરે ફાયરજવાનોની ભારે જહેમતના લીધે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. લેટેસ્ટ જાણકારી અનુસાર આગથી કેટલું નુકસાન થયું છે તેની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.