- મોરબી દુર્ઘટના મુદ્દે સરકારે એક્શન ટેકન રિપોર્ટ રજૂ ન કરતાં નારાજગી
- ઓરેવા ગ્રૂપ દર વખતે નવી વાત લાવે છે, પીડિતો માટે શું કરવાના તે સ્પષ્ટ કરો
- હાઇકોર્ટે સમગ્ર મામલે સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં રાજય સરકાર તરફ્થી એકશન ટેકન રિપોર્ટ રજૂ નહી થતાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ભારે નારાજગી વ્યકત કરી હતી.
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, સીટના રિપોર્ટમાં મોરબી નગરપાલિકાની સીધી બેદરકારી અને જવાબદારી સામે આવી છે તે રિપોર્ટ બાદ તમે મોરબી નગરપાલિકાના હોદ્દેદારો વિરુધ્ધ શું કાર્યવાહી કરી કે પગલાં લીધા? હાઇકોર્ટે સમગ્ર મામલે સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો. વધુમાં, હાઇકોર્ટે ઓરેવા કંપનીને પણ હુકમ કર્યો હતો કે, તમે દર વખતે નવી વાત લઇને આવો છો પરંતુ તમે પીડિતો માટે ચોક્કસ શું કરવા માંગો છો તે સ્પષ્ટ કરો.
આજે હાઇકોર્ટે સરકારપક્ષને સીધો સવાલ કર્યો હતો કે, તમે ગત સુનાવણીમાં સોગંદનામાં પર એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાની વાત કરી હતી અને સીટના રિપોર્ટ અનુસંધાનમાં જરૂરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી, તે મામલે શું કાર્યવાહી થઇ છે. હજુ સુધી એકશન ટેકન રિપોર્ટ કેમ રજૂ નથી કર્યો..? કે જયારે ખુદ સીટના રિપોર્ટમાં મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ્ ઓફ્સિર સહિતના હોદ્દેદારોની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સ્પષ્ટ થઇ છે.


