- સિંગાપુર-અમેરિકામાં સંક્રમણના એક વધુ મોજાની જોવાઇ રહી છે સંભાવના
- વિશ્વમાં હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં 42 ટકા વધારો : વિશ્વ આરોગ્ય સંગઠન
- વિશ્વ આરોગ્ય સંગઠન શું કહે છે ?
કોરોના સંક્રમણના કેસો વિશ્વભરમાં વધી રહ્યા છે. ખાસ કરીને કોરોનાના નવા વેરિઅન્ટ જેએન.1ને કારણે અનેક દેશોમાં સ્થિતિ વણસી હોવાના અહેવાલ છે. સિંગાપુર અને અમેરિકામાં તો સંક્રમણના એક વધુ મોજાની સંભાવના જોવાઇ રહી છે. ભારતમાં પણ વીતેલા 40-50 દિવસથી કોરોના કેસોમાં ઉછાળો જોવામાં આવ્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટ્સ (ઓમિક્રોન અને તેના સબવેરિઅન્ટ)ને મુદ્દે મોટાભાગના અભ્યાસોમાં જોવા મળી રહ્યું છે કે વેરિઅન્ટ્સ સંક્રમણનો ફેલાવો ઝડપથી કરી રહ્યા છે, પરંતુ તેને કારણે ગંભીર રોગનો ખતરો ઓછો હોય છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી જાણકારી ડરામણી છે. સંયુક્ત રાષ્ટ્ર આરોગ્ય એજન્સીના વડા ટેડ્રોસે જણાવ્યું છે કે, ગયા મહિને ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન લોકોની ભીડ એકઠી થતાં વિશ્વ કક્ષાએ નવા કોરોના વેરિઅન્ટનું સંક્રમણ વધી ગયું છે. એજન્સીના મહાનિદેશક ટેડ્રોસે કહ્યું કે સંક્રમણને કારણે ડિસેમ્બર મહિનામાં લગભગ 10,000 લોકોના મૃત્યુ થયા છે. અંદાજે 50 દેશોના ડેટા થકી જાણકારી મળે છે કે હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં પણ 42 ટકા વધારો નોંધાયો છે. યુરોપના દેશોમાં પણ સ્થિતિ ડામાડોળ થતી હોવાનું સામે આવી રહ્યું છે.
વિશ્વ આરોગ્ય સંગઠન શું કહે છે ?
આરોગ્ય નિષ્ણાતોએ પહેલેથી જ એલર્ટ જારી કર્યું હતું કે ક્રિસમસ-નવા વર્ષની રજાઓ દરમિયાન એકત્રિત થનારી ભીડને કારણે કોરોના વિસ્ફોટ થઇ શકે છે. એજન્સીના વડા ટેડ્રોસે જીનીવા ખાતે પત્રકારોને કહ્યું હતું કે,’મહામારીના પીક સમયમાં પ્રતિમાસ 10,000 મૃત્યુની સંખ્યા ખૂબ ઓછી કહી શકાય. પરંતુ તે મોત રોકી શકાય તેમ હતા. આ આંકડો પણ સ્વીકાર્ય નથી. કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ભારે પડી રહી છે.’ સરકારો કોરોના પર બારીક નજર રાખે અને ઉપચાર-રસીકરણ બહેતર થાય તે જરૂરી છે.
અન્ય શ્વસન બીમારીમાં પણ વધારો ।
ટેડ્રોસે કહ્યું કે હાલમાં વિશ્વભરમાં જેએન-1 વેરિઅન્ટનું સંક્રમણ મુખ્યત્વે વધી રહ્યું છે. ઓમિક્રોનનો આ સબવેરિઅન્ટ છે. તેથી વિજ્ઞાનીઓને આશા છે કે વર્તમાનમાં ઉપલબ્ધ વેક્સિન્સ લોકોને સુરક્ષા પૂરી પાડી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનમાં કોવિડ-19ના ટેકનિકલ વડા મારિયા વાન કેરખોવે કહ્યું કે, ‘કોરોના વાઇરસની સાથોસાથ ફ્લૂ, રાઇનો વાઇરસ અને ન્યૂમોનિયાને કારણે પણ વિશ્વભરમાં શ્વસન સંબંધી બીમારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે શિયાળામાં શ્વાસ સંબંધી બીમારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળામાં શ્વાસ સંબંધી બીમારીઓનું જોખમ વધુ છે. જાન્યુઆરી સુધી તે જોખમ રહેશે. જોકે ગરમી છે તેવા દક્ષિણ ગોળાર્ધમાં કોવિડ-19માં વધારો જોવા મળે છે.’
ભારતમાં કોરોનાની સ્થિતિ
કોરોના સંક્રમણના કેસ ભારતમાં પણ વધી રહ્યા છે. વીતેલા એક સપ્તાહના આંકડા પર નજર નાખવામાં આવે તો કહી શકાય કે પ્રતિદિન 500-600 કેસ નવા નોંધાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી જાણકારી મુજબ વીતેલા 24 કલાકમાં સંક્રમણના 514 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસની સંખ્યા 3422 છે. આ પહેલાં બુધવારે 605 કેસ નોંધાયા હતા. પ્રતિદિન ભારતમાં કોરોનાથી સરેરાશ 5-6 લોકોના મૃત્યુ થાય છે. મહારાષ્ટ્રમાં બુધવારે 98 નવા કેસ અને 2 મૃત્યુ નોંધાયા હતા.
સંક્રમણથી બચાવ જરૂરી
WHOની સલાહ છે કે લોકો વેક્સિન લે, માસ્ક ધારણ કરે તે બચાવ માટે જરૂરી છે. એ જરૂરી છે કે ઘરમાં વેન્ટિલેશન હોય. ઇનડોર પ્રદૂષણને કારણે પણ સંક્રમણનો ખતરો વધી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન માત્ર વેક્સિન સંક્રમણથી બચાવ નહીં કરી શકે પરંતુ ભીડથી બચવું પણ જરૂરી છે.


