અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાન ઇંધણની મોટી ચોરી ઝડપાઈ છે. ઝોન 4 LCB સ્ક્વોડે બાતમીના આધારે ભાર્ગવ રોડ વિસ્તારમાં રેડ પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાર્ગોના પાર્કિંગમાંથી ATF કાઢવામાં આવતું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 700 લીટરથી વધુ ATF કબજે કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન LCBએ 30 કેરબા અને એક ટેન્કર પણ કબ્જે કર્યું છે.
ઝોન 4 LCB સ્ક્વોડ દ્વારા ભાર્ગવ રોડ પર કાર્યવાહી
ઝોન 4 LCB સ્ક્વોડે ભુપેન્દ્ર તોમર સહિત કુલ બે આરોપીઓની ધરપકડ કરી છે. ભુપેન્દ્ર તોમર નામનો યુવક આ વ્હાઇટ પેટ્રોલ(ATF) કાઢવાનું મુખ્ય કામ કરતો હતો. જોકે ટેન્કર ડ્રાઈવર પોલીસને ચકમો આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ ટેન્કરના ATFના સીલ તોડીને ઇંધણ કાઢી લેતા હતા અને બાદમાં નકલી સીલ મારી દેતા હતા, જેથી કોઈને શંકા ન જાય. પોલીસે આ કૌભાંડનું મૂળ ક્યાં સુધી પહોંચેલું છે તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


