- રાહુલ ગાંધીના શક્તિ સામેની લડાઇના નિવેદન બાદ PMનો વળતો પ્રહાર
- 4 જૂને ફેંસલો થશે કે કોણ શક્તિનો વિનાશ કરી શકે અને કોણ શક્તિના આશીર્વાદ મેળવી શકે
- તેલંગાણાના જગતિયાલમાં એક જાહેરસભાને સંબોધિત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના જગતિયાલમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી ગઠબંધન INDI પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં ઈન્ડિ ગઠબંધનની પ્રથમ રેલી થઇ અને તેમાં તેમણે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. તેઓ કહે છે કે તેમની લડાઇ શક્તિની વિરુદ્ધમાં છે. તેમણે રાહુલ ગાંધીના શક્તિને મુદ્દે કરેલા નિવેદન પર પણ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મારા માટે દરેક દીકરી શક્તિનું રૂપ છે અને હું મારી માતાઓ-બહેનોની રક્ષા માટે જાનની બાજી લગાવીશ. હું શક્તિના રૂપમાં તેમની પુજા કરૂં છું. હું ભારત માતાનો પૂજારી છું. હું તેમના પડકારનો સ્વીકાર કરું છું. તેમણે ઉમેર્યું હતું કે એક તરફ શક્તિના વિનાશની વાત કરનારા લોકો છે અને બીજી તરફ શક્તિની પૂજા કરનારા લોકો છે. મુકાબલો ચાર જૂને થઇ જશે કે કોણ શક્તિનો વિનાશ કરી શકે છે અને કોણ શક્તિનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે.
કોંગ્રેસ ખુલ્લંમ ખુલ્લા દેશના ભાગલાની વાત કરવા લાગી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેલંગાણાથી કર્ણાટક પહોંચ્યા હતાં ત્યાં શિવમોગ્ગામાં જાહેર સભાને સંબોધન કરતાં વડાપ્રધાને કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે દેશના ભાગલા પાડવાની ખતરનાક રમત શરૂં કરી છે. વડાપ્રધાન કોંગ્રેસ પક્ષના કર્ણાટકના એકમાત્ર સાંસદ ડીકે સુરેશ દ્વારા કરવામાં આવેલા એક નિવેદનના સંદર્ભમાં બોલી રહ્યા હતાં. નોંધનીય છે કે ડીકે સુરેશ કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઇ પણ છે.


