- નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુકત કાર્યવાહી કરી રોડ ખુલ્લા કરવામાં આવે તેવી માંગણી
- આડેધડ વાહન પાર્કિંગ અને રોડ ઉપરના દબાણો ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર
- ટ્રાફિકજામથી રાહદારીઓ નો સમય અને પેટ્રોલ બંનેનો વ્યય થઈ રહ્યો છે
કલોલ શહેરના મુખ્ય જાહેર માર્ગો ઉપર અવાર નવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઈ રહી છે. જેના કારણે વાહન ચાલકો સહીત રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કલોલ શહેરના જાહેર માર્ગો ઉપરના દબાણો તેમજ આડેધડ વાહન પાર્કિંગ કરવાથી ટ્રાફીકની સમસ્યા વકરી છે. દિનપ્રતિદિન આ સમસ્યા ગંભીર થતી જઈ રહી છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યા બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુકત કાર્યવાહી કરી શહેરના જાહેર માર્ગોને ટ્રાફીક મુકત કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.કલોલ શહેરના જાહેર માર્ગો ઉપર ટ્રાફીકજામની સમસ્યા વકરી રહી છે. શહેરના ખુની બંગલા ચાર રસ્તા તેમજ કવિતા સર્કલ શારદા સર્કલ બોરીસણા ગરનાળા તથા પંચવટીનું ગરનાળુ અને સ્ટેશન રોડ અને બસ સ્ટેન્ડના આસપાસના વિસ્તારોમાં ટ્રાફીકની સમસ્યાએ માઝા મુકી છે. શહેરના જાહેર માર્ગો ઉપર થયેલા આડેધડ દબાણો તેમજ વાહનચાલકો દ્વારા કરાતા પાર્કિંગ ના કારણે ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ રહી છે. અવારનવાર ટ્રાફીકજામ થઈ જાય છે. જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે. શહેરના માર્ગો એના એ જ છે. અને રોજબરોજ વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે. તેના કારણે પણ ટ્રાફીકની સમસ્યા ઉદભવી છે. અવારનવાર ટ્રાફીક જામ થઈ જતો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ નો સમય અને પેટ્રોલ બંનેનો વ્યય થઈ રહ્યો છે. લોકોને ટ્રાફીકજામની સમસ્યાની મુકત
કરવા માટે નગરપાલિકા તંત્ર અને પોલીસ દ્વારા સંયુકત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે. શહેરના જાહેર માર્ગ ઉપર થયેલ દબાણો હટાવવામાં આવે અને આડેધડ થતા પાર્કિંગ ને દુર કરવામાં આવે તેવી નાગરિકો સહિત રાહદારીઓમાં માંગણી ઉઠવા પામી છે.


