પેરોલ પર છૂટીને કાયદાની મર્યાદા ભૂલી જઈને ઉજવણી કરનારા અને સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરનારા હત્યાના બે આરોપીઓને સુરત પોલીસે જોરદાર પાઠ ભણાવ્યો છે. સુરત SOG પોલીસે આ બંને આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢી લોકોની માફી મગાવી હતી.
પેરોલ પર છૂટીને આતંક
આ સમગ્ર ઘટના લાલગેટ વિસ્તારની છે. હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા આ બંને આરોપીઓ તાજેતરમાં પેરોલ પર છૂટ્યા હતા. પેરોલ પર આવતાની સાથે જ તેમણે કાયદાનો ડર છોડી દીધો હતો અને જાહેર વિસ્તારમાં ઉજવણીરૂપે વરઘોડો કાઢ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીને ડરાવવા અને ધમકાવવાના ઇરાદાથી સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના ફોટોગ્રાફ્સ અને રીલ્સ પણ અપલોડ કર્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
પોલીસે જાહેરમાં માફી મગાવી
સુરત SOG પોલીસને આ અંગે જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOG પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમને કાયદાનું ભાન કરાવવા માટે તેમની જ સ્ટાઇલમાં જડબાતોડ જવાબ આપ્યો હતો. પોલીસે લાલગેટ વિસ્તારમાં આ બંને આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસનો આ વરઘોડો જોઈને બંને આરોપીઓ ભીની બિલાડી બની ગયા હતા અને જાહેરમાં હાથ જોડીને લોકોની માફી માગવી પડી હતી.


