જામનગર રહેતા રેડીયોલોજીસ્ટ પતિ સામે પત્નીને ત્રાસ આપી મારકૂટ કર્યાની રાજકોટની મહિલા ડૉકટરે કરી ફરિયાદ
ગૃહ કંકાસ અને સ્ત્રી અત્યારના કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં ડૉક્ટર પતિ પોતાની ડૉક્ટર પત્ની પર વારંવાર અત્યાચાર કરતો હોવાનું સામે આવ્યું છે. કાલાવડ રોડ પરના એ.જી.ચોકમાં પ્રધ્યુમન રોયલ હાઇટસમાં પિયરને ત્યાં રહેતી ચિત્રાલીબેન નામની ૨૯ વર્ષની પરિણીતાએ પતિ જયપાલ દિલીપભાઇ માખેલા (રહે.માધવ, બી-૧૭ પારસ સોસાયટી-૨, જામનગર) વિરૂધ્ધ ત્રાસ આપી મારકૂટ કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ચિત્રાલીબેને જણાવ્યું છે કે તેમણે ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સંયુકત કુટુંબમાં રહેતા હતા. પતિ રેડીયોલોજીસ્ટ તરીકે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. લગ્નના પાંચેક દિવસ બાદ પતિ સાથે હનીમૂન માટે માલદીવ ફરવા ગયા હતાં. જયાં સાતેક દિવસ રોકાયા હતા. જામનગર આવ્યાના થોડા દિવસ બાદ ઘરકામ બાબતે પતિએ બેડ પરથી નીચે પછાડી મારકૂટ કરી હતી.એટલું જ નહી પતિએ તેને ચડાવેલા ૪૦ તોલા સોનાના દાગીના લઇ વેચી નાખ્યા હતા. પતિ જયારે હોસ્પિટલથી ઘરે આવે ત્યારે નાની-નાની બાબતમાં ટોર્ચર કરતો હતો. અનેકવાર થપ્પડ પણ મારી હતી. ગાળોથી બેસાડીને અને ગાળોથી ઉઠાડતો હતો. તેણે ફરીથી અભ્યાસ શરૂ કરતાં પતિએ સગવડ કરી આપી ન હતી. એમ કહી દીધુ હતું કે અભ્યાસ માટે તારા પિતા પાસેથી પૈસા લઇ આવ. તેણે ના પાડતા ગાળો ભાંડી, મારકૂટ કરી હતી.
આખરે તેણે પિતાને વાત કરતા રૂ.૨૦ લાખ અભ્યાસ માટે ચેકથી મોકલ્યા હતા. ૨૦૨૧માં પતિ સાથે કેરળ ફરવા ગયા હતા. ત્યાં પણ પતિએ હોટલના રૂમમાં પુરી, માથુ દિવાલમાં પછાડી મારકુટ કરી હતી. જયારે પણ પતિ સાથે ફરવા જાય ત્યારે તેના ખર્ચના પૈસા પિતા પાસેથી લઇ આવવાનું કહેતો હતો. પતિને મહિનાની પાંચ લાખની આવક છે. સસરાને ઓઇલનો વેપાર છે. જેની માસીક આવક રૂપિયા ચારેક લાખ છે. ૪૦ વીઘા જેટલી ખેતી ધરાવે છે. જેની વાર્ષિક આવક પણ ચાલીસેક લાખ રૂપિયા જેવી છે. આમ છતાં પતિ કોઇપણ વસ્તુ લાવવા માટે પૈસા આપતો ન હતો. જેથી કંટાળીને આખરે ફરિયાદ નોંધાવી હતી.