વિશ્વ શાંતિ વિશ્વબંધુત્વ માટે સ્થાપિત સંયુક્ત રાષ્ટ્ર મહામથક(યુનો)-ન્યૂયોર્ક અમેરિકા ખાતે ઐતિહાસિક ગણી શકાય એવી રામકથાનો આરંભ થયો. ન્યુયોર્ક ખાતે યુનોના કાર્યાલયમાં સભ્ય માટેના ડાયનિંગ ખાતે 9 દિવસીય રામચરિત માનસનું ગાન થાય એ એક ઐતિહાસિક બનાવ છે. યુનોમાં મોરારીબાપુની ઐતિહાસિક કથા છે. આ કથામાં મારા તારાની વાત છોડો, વસુધૈવ કુટુમ્બમની ભાવના રાખવા અને આખું વિશ્વ જ્યારે વિવિધ ભાગોમાં વહેંચી ગયું છે ત્યારે ભારતના ઋષિમુનિઓએ ચીંધેલા માર્ગે આગળ વધવા વિશ્વને મોરારીબાપુની અપીલ કરી છે.
યુનોમાં રામકથા કરતા ઉત્તરકાંડમાંથી લીધેલી બે પંક્તિઓ સાથે કથા આરંભ કરતા મોરારી બાપુએ કહ્યું કે, પોથીના પરતાપે ક્યાં ક્યાં પુગિયા! પરમાત્માની કૃપાથી વિશ્વ સંસ્થાની આ બિલ્ડિંગમાં રામકથાના અનુષ્ઠાનો અવસર મળ્યો એ માત્ર,માત્ર અને માત્ર પરમાત્માની કૃપાનું પરિણામ છે. બાપુએ યાદ કર્યું કે, જ્યારે ખૂબ શરૂઆતમાં અમેરિકા કથાયાત્રા પર હતો. ત્યારે સ્વાભાવિક મનમાં થયું કે, યુનોની આ બિલ્ડિંગમાં માળા ફેરવતા-ફેરવતા એક પરિક્રમા કરવી છે અને મંજૂરી મળી.એ પછી રશિયામાં પણ શિવ પ્રેરિત વિચાર આવ્યો ક્રેમલિનની પરિક્રમા કરું ત્યાં પણ મંજૂરી મળી. અહીં પરિક્રમા કરતી વખતે વિચાર ન હતો કે કથા અહીં લાવશે. પણ સ્વયં કથાને એ ખબર હતી કે, દુનિયાના અનેક દેશોના નેતાઓ મળીને જ્યાં શાંતિની ચર્ચા કરે છે. એ યુનોના 4 સૂત્ર જેનો વિસ્તાર કરીને 17 સૂત્ર બન્યા છે એની વાત પણ કરશું.
મોરારી બાપુએ તેમની કથામાં આગળ કહ્યું હતું કે, આખું વિશ્વ જ્યારે વિવિધ ભાગમાં વહેંચાઈ ગયેલું છે, મારા તારામાં રત છે તે સમયે ભારતના શાસ્ત્રો, ભારતના ઋષિમુનિઓ કહે છે કે મારા-તારાની વાત છોડો અને વસુધૈવ કુટુમ્બકમની વિચારધારાને અનુસરો. યુનોની વિશ્વસંસ્થા પણ આ માટે પ્રયત્નશીલ છે. બાપુએ કથાનાં પ્રારંભમાં કહ્યું હતું કે જો વ્યક્તિના વિચારો ફક્ત 33 ટકા પણ જો સદ્દવિચાર બને, વાણી સદ્ધવાણી બને અને આચાર પણ જો 33% સદાચાર બને તો મને લાગે છે કે વિશ્વમાં વધુ શાંતિ સ્થપાય. જો વિશ્વમાં શાંતિ સ્થપાય એવું આપણે ઇચ્છતાં હોઈએ તો સૌ પ્રથમ તો આપણા વિચારોમાં શુદ્ધિ આવે. ન્યુયોર્ક ખાતે યુનોના વડા મથક પર યોજાયેલ રામકથામાં મોરારિબાપુએ ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. આજની બીજા દિવસની રામકથામાં યોગગુરુ બાબા રામદેવજીની વિષેશ ઉપસ્થિતિ રહી હતી. જાણીતા ગુજરાતી સાહિત્યકાર સુમન શાહ, મોટીવેશનલ વકતા જય વસાવડા અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતા.