ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની મહેનતથી પ્રક્રિયા સફળ : 217 વડીલોને અંદાજિત રૂ. 18 લાખના ખર્ચે સાધનો અપાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના મેઘાણી રંગભવન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. અગાઉ યોજાયેલા વિશાળ એસેસમેન્ટ કેમ્પમાં નોંધાયેલા શહેરના 217 વયોવૃદ્ધ નાગરિકોને અંદાજિત રૂ. 18 લાખની કિંમતના કુલ ૧,૧૧૭ જેટલા વિવિધ ઉપકરણો વિતરણ કરવામાં આવ્યા હતા.
ભારત સરકારની વરિષ્ઠ નાગરિક કલ્યાણલક્ષી પહેલ અંતર્ગત ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના માર્ગદર્શન હેઠળ તેમના કાર્યાલયે ALIMCO (આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના સહયોગથી રાજકોટ શહેરમાં વિશાળ એસેસમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન નિષ્ણાતોની ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને આધારે જીવન સહાયક ઉપકરણો માટે વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેના આધારે આજે આ ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રક્રિયા—એસેસમેન્ટ કેમ્પના આયોજનથી લઈને વિતરણ કાર્યક્રમ સુધી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સક્રિય માર્ગદર્શન, સતત મહેનત અને વહીવટી તંત્ર સાથેના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેમના પ્રયાસોથી શહેરના અનેક વયોવૃદ્ધ નાગરિકોને આ યોજનાનો લાભ સરળતાથી પ્રાપ્ત થયો છે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે જીવનમાં મુશ્કેલ સમયમાં પરસ્પર સહકાર અને સંવેદના ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે સંતાનોને માતા-પિતાની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી અને સંવેદનશીલ સમાજના નિર્માણ માટે સૌને આગળ આવવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રોટોકોલ બાજુએ મૂકી સ્ટેજ પરથી નીચે ઉતરી વડીલો સાથે વ્યક્તિગત મુલાકાત કરી તેમની લાગણીઓ જાણી, જે પ્રસંગે માનવતાનો સ્પર્શ અનુભવાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ સર્વે પુરુષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય સર્વે ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ, એલિમ્કોના જનરલ મેનેજર રમેશચંદ, માધવભાઈ દવે, નરેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, માજી કોર્પોરેટોરઓ, ચંદુભાઈ વિરાણી, જયેશભાઈ ઉપાધ્યાય સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.Top of Form


