- ભરૂચ પંથકમાં ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું
- પહેલાં નોંરતે જ ગરબા મેદાનો પર ગરબાની રમઝટ જામી
- ભક્તો માતાજીની ચૂંદડી અને અન્ય પૂજાપો ખરીદતા જણાયા
શક્તિના પર્વ એવા નવલી નવરાત્રીના પ્રારંભ અવસરે આજે તા 15 ઓક્ટોબરના રવિવારથી થતા સમગ્ર ભરૂચ પંથકમાં ભક્તિ અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયુ હતું. પહેલા નોંરતે જ ગરબા મેદાનો પર ગરબાની રમઝટ જામી હતી. ભક્તો માતાજીની ચૂંદડી અને અન્ય પૂંજાપો ખરીદતા જણાતા હતા.
ભરૂચ નગર ઉપરાંત તાલુકામાં પણ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો. તવરા પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી. માં નર્મદા નદીના કિનારે આવેલું તવરા ગામ ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજી ના જવારાની સ્થાપના કરાઈ હતી આસો નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે. આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે જવારાની સ્થાપના કરવામાં આવી હતી જેમાં જવારામાં ઘઉં જુવાર વાલ મગ જવ જેવા કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. તો સમગ્ર ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રિના પ્રથમ નોરતેથીજ કેટલાક ભક્તોએ એકટાણું ઉપવાસની પણ શરૂઆત કરી હતી.
નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે માતાજીના માઇ ભક્તો નર્મદા સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી તથા માતાજીના સ્થાનકને પણ સાફ્-સફાઇ કરી માતાજી જવારાની સ્થાપના કરવામાં આવી હતી. માતાજીના જવારાનું નવરાત્રીના દિવસો દરમિયાન પૂજન કરાશે. આ ઉત્સવમાં ભરૂચ જિલ્લાભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શન માટે તવરા પાંચદૈવી મંદિરે ઉમટી પડતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે દર્શન કરવા માઈ ભક્તો ઊમટી પડયાં
નર્મદા જિલ્લામાં આજે રવિવારથી જગત જનની માતાજીના નવલાં નોરતાં નવરાત્રિનો પ્રારંભ થયો છે. રાજપીપળા ખાતે પ્રસિદ્ધ પૌરાણિક હરસિદ્ધિ માતાજી મંદિરે પ્રથમ નોરતે માઈ ભક્તો ઉમટી પડયા હતા. પોઈચા થી રાજપીપળા ફોર લેન ઉપર સવાર થી માઈ ભક્તો પગપાળા સંઘ દ્વારા હરસિદ્ધિ માતાજી મંદિરે ઉમટી પડયા હતા.
હરસિદ્ધિ માતાજી મંદિરે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ મંદિરની પાસે બહાર રોડની આજુબાજુ મેળા માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો લાગી ગઈ છે. ખાણીપીણી અને વિવિધ વસ્તુઓની દુકાનો લાગી ગઈ છે. હરસિદ્ધિ માતાજી ગોહિલ વંશના રાજાઓ અને ગોહિલ વંશના દરબાર રાજપૂતની કુળદેવી છે. રાજપૂત પરમાર વંશના કુળદેવી છે. હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે સમગ્ર નર્મદા જિલ્લાના માઈ ભક્તો ઉમટી પડે છે. નવરાત્રિ દરમ્યાન માઈ ભક્તો દ્વારા પોતાના ઘરમાં ગરબા મૂકીને જવારા વાવીને માતાજીની આરાધના કરે છે. પૂજા અર્ચના કરે છે. નવ દિવસ માઈ ભક્તો ઉપવાસ કરે છે. આરતી કરે છે. પ્રસાદ ધરાવે છે. ગરબા ગવાય છે.
દેવ મોગરા માતાજી મંદિરે ખાતે માનવ મહેરામણ ઊમટયો
સાગબારા તાલુકામાં દેવ મોગરા માતાજી આદિવાસી લોકોની કુળદેવી છે. આજે માતાજીની નવરાત્રિનું પ્રથમ નોરતું અને રવિવાર હોવાથી માઈ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. દેવ મોગરા માતાજીને નવું પકાવેલું ધાન અનાજ અને મરઘાં, બકરાં, દેશી મહુડાનો દારૂ નાળિયેર, કંકુ, ઘી નો દીવો, અગરબત્તી અને પ્રસાદ અને ચુંદડી ચઢાવીને પૂજા અર્ચના કરી હતી. નવરાત્રિ હોવાથી માઈ ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સુધીના માઈ ભક્તો ઉમટી પડયા હતા. દેવ મોગરા માતાજીનો જય ના નાંદોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.