રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
વડોદરાથી રોજગારીની આશાએ રાજકોટ આવેલ 39 વર્ષીય યુવાનનો કરૂણ અંત, CCTVમાં ઘટના કેદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રોજગારી ન મળતાં નિરાશ થયેલા એક નેપાળી યુવકે ટ્રક નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ 39 વર્ષીય જગદીશભાઈ રામદૂતપ્રસાદ જોશી તરીકે થઈ છે, જે મૂળ નેપાળના રહેવાસી હતા અને છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં વસવાટ કરતા હતા. તેઓ પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની આશા સાથે રાજકોટ આવ્યા હતા. હડાળા પાટીયા પાસે આવેલી વિરાટ હોટલમાં રહેતા જગદીશભાઈ ગત 1 એપ્રિલના રોજ બપોરે અંદાજે 12:30 વાગ્યે રસ્તા પર ચાલતા હતા. તે દરમિયાન અચાનક તેઓ સામેથી આવી રહેલા ટ્રક આગળ કૂદી પડ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમના બંને પગ કપાઈ ગયા હતા અને શરીરે ભારે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જગદીશભાઈ છેલ્લા કેટલાક દિવસોથી કામની શોધમાં હતા, પરંતુ તેમને ક્યાંય રોજગાર મળ્યો નહોતો. સતત નિષ્ફળતા અને આર્થિક સંકટને કારણે તેઓ માનસિક રીતે હતાશ થઈ ગયા હતા. જેના કારણે આકસ્મિક રીતે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતકના પરિવારમાં પત્ની અને એક દીકરો તથા એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે. પિતાની આકસ્મિક વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ પરિવારજનોને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે.


