- દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે JN.1: WHO
- JN.1 વેરિયન્ટને લઈને નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા
- દેશમાં કોરોનાના એક્ટિવ કેસો ચાર હજારને પાર
કોરોનાનો નવા વેરિયન્ટ લોકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. સરકારે લોકોને સતર્કતા રાખવા અપીલ પણ કરી છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોના JN.1ના નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા વધીને 63 થઈ ગઈ છે. ગોવામાં મોટાભાગના દર્દીઓ નવા વેરિયન્ટ JN.1 થી સંક્રમિત જોવા મળ્યા છે. ગોવામાં નવા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 34 થઈ છે. મહારાષ્ટ્રમાં 6, કર્ણાટકમાં 8, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 લોકો નવા કોરોના વેરિયન્ટ JN.1 થી સંક્રમિત જોવા મળ્યા છે.
દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે JN.1: WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો દાવો છે કે કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી સંક્રમિત દર્દીઓ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળી રહ્યા છે અને તેના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આ જ કારણ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને નવા વેરિયન્ટ JN.1ને ‘વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ માનવામાં આવે છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે JN.1ની શરીર પર શું અસર થઈ રહી છે તેનો વધુ અભ્યાસ કરવાની જરૂર છે. ભારતમાં હજુ સુધીતો JN.1 થી સંક્રમિત દર્દીઓમાં ખાસ ચિંતાજનક લક્ષણો જોવા નથી મળ્યા. JN.1નું સંક્રમણ પણ ઓછું છે. ઉપરાંત, હાલ જે વેક્સિન ઉપલબ્ધ છે તે આ વેરિયન્ટ સામે લડવા માટે સક્ષમ છે.
JN.1ને લઈને આ વાતો ચિંતાજનક
કોરોનાનો નવો વેરિયન્ટ JN.1, ઝડપથી ફેલાય છે અને વિશ્વના ઘણા દેશોમાં તેના કેસ વધી રહ્યા છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ, JN.1 ઈન્ફલ્યુએન્ઝા, રિનોવાઈરસ અને અન્ય શ્વસન સંબંધિત બિમારીઓ ધરાવતા લોકો માટે સમસ્યા બની શકે છે. આજ કારણ છે કે, સરકારે લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો પ્રયાસ કરવાની અપીલ કરી છે. તેમજ બાળકો અને વૃદ્ધોને ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસો ચાર હજારને પાર
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 312 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. નવા કેસોની સાથે હવે દેશમાં કુલ એક્ટિવ કેસોનો સંખ્યા વધીને 4054 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 128, કર્ણાટકમાં 73, મહારાષ્ટ્રમાં 50, રાજસ્થાનમાં 11, તમિલનાડુમાં 9, તેલંગાણામાં 8 અને દિલ્હીમાં 7 નવા કોરોના કેસ મળી આવ્યા છે.


