- ન્યુઝીલેન્ડના 170 વર્ષના ઇતિહાસમાં સૌથી નાના વયના સાંસદ
- મતદારોને કહ્યું” તમારા માટે મોતને ભેટી શકું, પરંતુ મારે તમારા માટે જીવવું છે”
- 21 વર્ષીય ક્લાર્ક 1853 બાદ સૌથી નાની વયની યુવા સાંસદ
સોશિયલ મીડિયામાં એક મહિલા રાજનેતાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, આ વિડીયો ન્યૂઝીલેન્ડના 170 વર્ષમાં સૌથી યુવા સાંસદ હાના-રાવિતી માઈપી-ક્લાર્કનો છે. વાયરલ વિડીયો ડિસેમ્બર 2023નો છે. પોતાના શક્તિશાળી ભાષણમાં, 21 વર્ષીય સાંસદ પોતાના મતદારોને વાયદો કરતી જોવા મળી રહી છે કે હું તમારા માટે મોત વ્હાલું કરી શકું છું પરંતુ હું ફક્ત તમારા માટે જ જીવિત રહેવા માંગુ છું.
મીડિયા રિપોર્ટ અનુસાર, 21 વર્ષીય ક્લાર્ક 1853 બાદ સૌથી નાની વયની યુવા સાંસદ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં દેશના સૌથી સિનિયર સાંસદોમાંના એક નાનાયા મહુતાને હરાવ્યા બાદ તેઓ ન્યૂઝીલેન્ડની સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા. માઈપી-ક્લાર્ક ન્યુઝીલેન્ડના અધિકારો માટે લડી રહ્યા છે. ક્લાર્કે તેના શક્તિશાળી ભાષણમાં કહ્યું, ‘સંસદમાં આવતા પહેલા, મને કેટલીક સલાહ આપવામાં આવી હતી કે હું કંઈપણ વ્યક્તિગત ન લઉં… ઠીક છે, હું આ ગૃહમાં કહેવામાં આવેલ તમામ વાતોને વ્યક્તિગત લેવા સિવાય બીજું કંઈ કરી શકતી નથી.
પોતાને રાજનેતા નથી માનતા ક્લાર્ક
મીડિયા રિપોર્ટ મુજબ, ક્લાર્ક ખુદને રાજનેતા તરીકે નથી જોતાં, પરંતુ માઓરી ભાષાના સંરક્ષક તરીકે જોવે છે અને તેમનું માનવું છે કે માઓરીની નવી પેઢીની અવાજને સાંભળવાની જરૂર છે. જણાવી દઈએ કે માઓરી ભાષા ન્યુઝીલેન્ડમાં બોલાતી એક પોલિનેશિયન ભાષા છે.
21 વર્ષીય ક્લાર્ક ઓકલેન્ડ અને હેમિલ્ટન વચ્ચેના નાના શહેર હંટલીની છે, જ્યાં તેઓ એક માઓરી સામુદાયિક બગીચો ચલાવે છે. જે સ્થાનિક બાળકોને ગાર્ડનિંગ અને સમારકામ (માઓરી ચંદ્ર કેલેન્ડર મુજબ વૃક્ષારોપણ) વિશે શિક્ષિત કરે છે. ન્યૂઝીલેન્ડમાં તેમના પરિવાર માટે 21 વર્ષની ઉંમરે રાજકારણમાં આવવું કોઈ નવી વાત નથી. તેમના પરદાદા વાયરમુ કટેને 1872માં ક્રાઉન પહેલા માઓરી મંત્રી હતા.


