- નાઈઝીરિયામાં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય
- ઘટનાસ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં
- કાટમાળમાં ફસાયેલા 154 વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યાં
ઉત્તર-મધ્ય નાઈઝીરિયામાં ગત રોજ ચાલુ શાળાએ બે માળની શાળા ધરાશાયી થઈ ગઈ હતી. જેથી આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે 132 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. નાઈઝીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ આ અંગેની જાણકારી આપી હતી. ધરાશાયી થયેલી શાળાના કાટમાળમાં કુલ 154 વિદ્યાર્થીઓ દટાયા હતા, જો કે એમાંથી 132ને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે જુદીજુદી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 22 વિદ્યાર્થીઓનાં મોત થયા હતા.
નાઈઝીરિયાના પઠારી રાજ્યના બુસા બુઝી સમુદાયમાં સેંટસ એકેડમી કૉલેજના વિદ્યાર્થીઓ આવ્યા પછી તરત શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ઘણા વિદ્યાર્થીઓની ઉંમર 15 વર્ષ અથવા એનાથી પણ ઓછી હતી. જો કે, દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ હતી.
ઈજાગ્રસ્તોને સારી સારવારના અપાયા આદેશ
નાઈઝીરિયાની રાષ્ટ્રીય કટોકટી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે દુર્ઘટનાને લીધે તરત બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષાદળોને ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. રાજ્યની માહિતી કચેરીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક તબીબી સારવારની દેખરેખ રાખવા સરકારે હોસ્પિટલોને કોઈપણ દસ્તાવેજ અથવા પૈસાની ચુકવણી વગર સારવારને પ્રાથમિકતા આપવાના નિર્દેશ આપ્યા હતા.
ગામડાનાં લોકોએ મદદ કરી
રાજ્ય સરકારે આ દુર્ઘટના માટે શાળાની નબળી ડિઝાઈન અને નદીકિનારે આવેલા સ્થાનને જવાબદાર ઠેરવ્યું હતું. આ અંગે આવી શાળાઓને બંધ કરવાનો આગ્રહ તંત્રએ કર્યો હતો. રૅસ્ક્યૂ ટીમે કામગીરી દરમ્યાન ડઝન ગ્રામીણ સ્કૂલ પાસે જમા થઈ ગયા હતા અને કેટલાક લોકો રડી રહ્યા હતા જ્યારે કેટલાકે મદદ માટે રજૂઆત કરી હતી. એક મહિલાએ રડતા કાટમાળ પાસે જવાનો પ્રયાસ કર્યો હતો જેથી બીજી વ્યકિતએ તેને રોકી લીધી હતી.
નાઈઝીરિયામાં ઈમારતો ધરાશાયી થવી સામાન્ય ઘટના
આફ્રિકાની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈઝીરિયામાં ઈમારતો પડવી નજીવી બાબત થઈ ગઈ છે. ગત બે વર્ષમાં આવી ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ ગઈ છે. અધિકારીઓ ઘણીવાર આવી દુર્ઘટનાઓ માટે ભવન સુરક્ષાના નિયમો લાગુ કરવામાં નિષ્ફળ નીવડે છે અને ખરાબ મેઈન્ટેન્નસને જવાબદાર ઠેરવે છે.


