દેવી ભાગવત
આદ્યશક્તિ દેવી ભગવતીના સ્મરણમાત્રથી આનંદ થાય, જેમના પૂજનથી મનોકામના સિદ્ધ થાય, જેમની આરાધના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કરે છે, તેવાં ભગવતી અંબાની અનેકવિધ અવતાર કથાઓનો મહિમા દેવી ભાગવતમાં વર્ણવવામાં આવ્યો છે. તે નવ દેવીઓને જાણીએ.
શ્રી કુમારિકા દેવી
પુરાણોમાં શ્રી કુમારિકા દેવીને ભગવાન શંકરનાં પત્ની પાર્વતીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. કુમારિકા દેવીનું પ્રથમ દિવસે પૂજન કરવાથી મનોરથ પૂર્ણ થાય છે.
શ્રી ત્રિમૂર્તિ દેવી
સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ સ્વરૂપ છે. નવરાત્રિના બીજા દિવસે પૂજન કરવાથી શ્રી ત્રિમૂર્તિ દેવી આપણા જીવનના તમસ ગુણ દૂર કરી શ્રેષ્ઠ ગુણો પ્રસ્થાપિત થાય તેવું ફળ આપે છે.
શ્રી કલ્યાણ દેવી
મલયાચલ પર્વતને શ્રી કલ્યાણી દેવીનું સ્થાન માનવામાં આવે છે. કલ્યાણી દેવીને અભિયાંબિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના ત્રીજા દિવસે શ્રી કલ્યાણી દેવીનાં પૂજન-અર્ચનથી અધર્મનો નાશ થાય છે અને ધર્મનું રક્ષણ થાય છે.
શ્રી રોહિણી દેવી
નર્મદાજીનાં સહસ્ત્ર નામોમાં રોહિણી પણ એક નામ છે. નર્મદાજીના કિનારે અથવા પવિત્ર તીર્થમાં જો સ્ત્રીઓ રોહિણી દેવીનું નિષ્ઠાપૂર્વક પૂજન કરે તો તેમની સર્વ પ્રકારની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને સાતેય જન્મોમાં અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નવરાત્રિના ચોથા દિવસે તેમનું વિધિવત્ પૂજન કરવું જોઈએ.
શ્રી કાલિકા દેવી
માતા કાલિકા એ પાર્વતીજીનું તામસી સ્વરૂપ છે. જગન્માતા કાલિકા તો કરુણાનિધાન છે. તે મનુષ્યોની શત્રુ નથી. તે દુરાચારની શત્રુ છે. નવરાત્રિના પાંચમા દિવસે માતાને ફૂલથી શણગાર કરીને ફૂલોથી જ તેમનું પૂજન કરવાથી મનુષ્યોના આંતરિક શત્રુઓ(દુર્ગુણો)નું દમન થાય છે.
શ્રી ચંડિકા દેવી
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મુખમાંથી જે પ્રકાશપુંજ પ્રગટ થયો અને તેમાંથી જે આદ્યશક્તિનું સ્વરૂપ પ્રાદુર્ભાવ પામ્યું તે ચંડિકા દેવી. તેમણે અનેક અસુરોનો સંહાર કર્યો હતો. નવરાત્રિના છઠ્ઠા દિવસે ચંડિકા દેવીનાં પૂજન અને આરાધનાથી સાધકને ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
શ્રી શાંભવી દેવી
માતા પાર્વતી એ જ શાંભવી દેવી કહેવાય છે. હિમાલયનાં પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો અને તપ કરી ભગવાન શિવને પ્રાપ્ત કર્યા. દુ:ખ અને દરિદ્રતા દૂર કરવા માટે નવરાત્રિના સાતમા દિવસે શાંભવી દેવીની પૂજા કરવી જોઈએ. તેમનું પૂજન ઉત્તમ ફળ આપનારું ગણાય છે.
શ્રી દુર્ગા દેવી
દુર્ગમ અસુરોનો ધ્વસ્ત કરી જગતનું કલ્યાણ કરનારાં માતા પાર્વતીનું એક સ્વરૂપ `દુર્ગા’ તરીકે પણ પૂજાય છે. દેવી દુર્ગાના પૂજનથી ક્યારેય દુર્ગતિ થતી નથી. દુર્ગા દેવી ભક્તોનાં સર્વ સંકટો દૂર કરનારી દયાળુ દેવી છે. નવરાત્રિના આઠમા દિવસે માતા દુર્ગાનું પૂજન કરાય છે.
શ્રી સુભદ્રા દેવી
સુભદ્રાજી ભગવાન શ્રીકૃષ્ણ તથા શ્રી બલરામનાં બહેન અને અર્જુનનાં પત્ની હતાં. તેઓ પણ શક્તિનું સ્વરૂપ છે. સર્વ અમંગલોનો નાશ કરી ભક્તોનું `ભદ્ર’ એટલે કલ્યાણ કરવાવાળાં સુભદ્રા દેવી. નવરાત્રિના નવમા દિવસે સુભદ્રા દેવીની ઉપાસના કરવાથી જગદંબાની કૃપા જળવાઈ રહે છે. તેમના પૂજનથી રોગનો નાશ થાય છે.