- બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી સહિતની ગેરરીતિઓ સામે આવતા NMCની નોટિસ
- દેશની 350થી વધુ મેડિકલ કોલેજોને ચેતવણીરૂપે નોટિસ ફટકારવામાં આવી
- સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની ઓછામા ઓછી 75 ટકા હાજરી હોવી જોઈએ
રાજ્ય સહિત દેશની તમામ મેડિકલ કોલેજોના સ્ટાફની હાજરી પુરવામાં બાયોમેટ્રીક સિસ્ટમ દાખલ કરાઈ છે. પરંતુ ઓનલાઈન હાજરીમાં ગુજરાતની 18થી વધુ જ્યારે દેશની 350 જેટલી મેડિકલ કોલેજોની ગેરરીતિ સામે આવી છે. કોલેજોની ગંભીર ગેરરીતિ સામે આવતી નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. NMCએ તેની નોટિસમાં તાકીદ કરી છે કે, આ પ્રકારની ગેરરીતિ આચરી નિયમોનું ઉલ્લંઘન કરાશે તો કોલેજોની બેઠકના વધારા પર રોક લગાવાશે તેમજ માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
મેડિકલ કોલેજના સિનિયર રેસિડન્ટ ડોક્ટર, ટયુટર, ડેમોનસ્ટ્રેટર્સની હાજરી બાયોમેટ્રીક સિસ્ટમથી ભરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જોકે નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશની તમામ મેડિકલ કોલેજોનું છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કરાયેલ ઓબ્ઝર્વેશન દરમિયાન મોટી સંખ્યામાં કોલેજોની ગેરરીતિ સામે આવી છે. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની ઓછામા ઓછી 75 ટકા હાજરી હોવી જોઈએ, જે જોવા મળી નથી. આ સિવાય અનેક કોલેજોમાં સીસીટીવી કેમેરા પણ કાર્યરત નથી. પ્રાથમિક જરૂરીયાતોનો પણ અભાવ તેમજ અનેક કોલેજોમાં ફેકલ્ટીની સંખ્યા પણ પૂરતા પ્રમાણમા ન હોવાનું NMCના ધ્યાને આવ્યું છે. આવી દેશની કોલેજોની સંખ્યા 350 જેટલી છે જેમાં ગુજરાતની પણ 18થી વધુ કોલેજોનો સમાવેશ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.


