- ચીન સાથે ડીલ થતાં મુઈજ્જુનું મોટું નિવેદન
- 10મી મે પહેલા પરત ફરશે ભારતીય જવાનો
- ચીન સાથે માલદીવે કર્યા છે સૈન્ય કરાર
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ કહ્યું કે 10મી મે બાદ એક પણ ભારતીય સૈન્ય કર્મચારી દેશમાં હાજર નહીં રહે, સિવિલ ડ્રેસમાં પણ નહીં. 5 માર્ચ મંગળવારના રોજ એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. મુઈજ્જુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લગભગ એક સપ્તાહ પહેલા ભારતની ટેકનિકલ ટીમ માલદીવ પહોંચી હતી. આ ટીમ હેલિકોપ્ટરનું સંચાલન કરતાં સૈન્ય કર્મચારીઓની જગ્યા લેવા માટે પહોંચી હતી. મુઈજ્જુએ માલદીવથી ભારતીય સૈન્ય કર્મચારીઓના પ્રથમ જૂથને પરત કરવા માટે 10 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી.
એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મુઈજ્જુએ બા દ્વીપના ઇધાફૂશી આવાસીય સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભારતીય સૈનિકોને દેશમાંથી બહાર કાઢવામાં તેમની સરકારની સફળતાને કારણે ખોટી અફવા ફેલાવનારા લોકો પરિસ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. મીડિયા અહેવાલમાં ચીની સમર્થક માનવામાં આવતા મુઈજ્જુને ટાંકીને કહ્યું કે, એમ કહેવું કે ભારતીય સેન દેશ છોડીને નથી જઈ રહી, તેઓ સિવિલ ડ્રેસ પહેરીને યુનિફોર્મ ચેન્જ કરીને પરત આવી રહ્યા છે. આપણે આવા વિચારો ન કરવા જોઈએ જે આપણાં મનમાં શંકાઓ પેદા કરે અને જૂઠ ફેલાવે.
ચીન સાથે માલદીવે કર્યો કરાર
મોહમ્મદ મુઈજ્જુએ કહ્યું કે, ’10મી મે બાદ દેશમાં કોઈ ભારતીય સૈનિક હાજર નહી રહે. ન તો યુનિફોર્મમાં કે ન તો સિવિલ ડ્રેસમાં. ભારતીય સેના કોઈપણ પ્રકારના કપડાંમાં આ દેશમાં જોવા નહી મળે. હું આ વિશ્વાસ સાથે કહું છું. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે માલદીવે ચીન સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત ચીન માલદીવને મફત સૈન્ય સહાય આપશે. આ પહેલા ગત મહિને 2 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભારત અને માલદીવના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત માલદીવમાં તેના ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મ પર તૈનાત સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચી લેશે અને તેમની જગ્યાએ એક ટેકનિકલ ટીમ મોકલવામાં આવશે. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 10 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.
10મી મે પહેલા પરત ફરશે ભારતીય જવાનો
મોહમ્મદ મુઈજ્જુએ 5 ફેબ્રુઆરીના રોજ સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં આ જ પ્રકારની ટિપ્પણી કરી હતી. તાજેતરમાં, 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં છે, જેઓ મુખ્યત્વે 2 હેલિકોપ્ટર અને 1 વિમાનનું સંચાલન કરે છે. તેના દ્વારા સેંકડો તબીબી બચાવ અને માનવતાવાદી સહાય મિશન પૂર્ણ થયા છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશ છોડનાર પ્રથમ સૈન્ય કર્મચારીઓ અદ્દુ શહેરમાં બે હેલિકોપ્ટર ચલાવતા ભારતીય લશ્કરી કર્મચારીઓ છે. હા ધાલુ આઇલેન્ડ હનીમાધુ અને લામુ આઇલેન્ડ કહાધુમાં હાજર સૈન્ય કર્મચારીઓ પણ 10 મે પહેલા માલદીવ છોડી દે તેવી શક્યતા છે.
આ દરમિયાન, સ્થાનિક મીડિયામાં આવતા સમાચારમાં પણ કહેવામાં આવ્યું છે કે માલદીવે મેડિકલ રેસ્ક્યૂ મિશન માટે લીધેલા વિમાનોનું સંચાલન કરવા માટે ગત સપ્તાહે શ્રીલંકા સાથે એક સફળ કરાર કર્યો છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે તે તમામ ભારતીય જવાનોને હટાવવાનું મન બનાવી ચૂક્યું છે.


