- હવે ઘર ભણી લોકોની દોટ
- મોટેરા મેટ્રો સ્ટેશને લોકોની ભીડ
- માંડ માંડ મળી રહી છે ઊભા રહેવાની જગ્યા
આજનો દિવસ દરેક અમદાવાદી માટે મહત્વનો છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપની મેચમાં ખરાબ રીતે ધોબીપછાડ આપી 7 વિકેટે હરાવ્યું હતું. જો કે મેચ પછી પ્રેક્ષકોને ઘરે જવા માટે મેટ્રોની વાટ પકડવી પડી હતી. જેમાં ભારે જહેમતે લોકોને માંડ માંડ જગ્યા મળી હતી.
ઘણાં લોકોને ઊભા રહેવા માટે પણ મેટ્રોમાં જગ્યા મળી નહોતી. જેના લીધે લોકોએ સતત બીજી ટ્રેન માટે રાહ જોવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે આજે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે, જે દિવસે મેચ હશે તે દિવસે મેટ્રોને રાતના 1 વાગ્યા સુધી ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી લોકોને મોડું થવાની ચિંતા નહીં રહે. મેટ્રો દ્વારા તમામ લોકોને પરિવહનની સુવિધા મળી શકશે.
ભારતની ભવ્ય જીત બાદ ઘરે જવા માટે ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ જામી છે. મોટેરા સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનને લાંબી લાઇનો લાગી છે. મેટ્રોમાં પગ મૂકવાની જગ્યા નથી. સ્ટેડિયમની બહાર દર્શકોની ભારે ભીડ જામી છે. પહેલા સ્ટેડિયમમાં આવવા માટે દર્શકોએ મેટ્રોની ભીડનો સામનો કર્યો અને હવે ઘરે પરત ફરતા સમયે પણ દર્શકોએ મેટ્રોની ભીડનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે લોકોના ધસારાને પહોંચી વળવા માટે દર 12 મિનિટે મેટ્રો મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ ભારત પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદની મેટ્રોમાં મેચનો રંગ જામ્યો હતો. મોટા ભાગના લોકોએ સ્ટેડિયમ જવા માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. મેટ્રોમાં અનેક લોકો ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં નજરે પડ્યા હતા. અને મેટ્રો ખીચોખીચ ભરેલી હતી. આમ હાલમાં લોકો મેટ્રોની રાહ જોઈ રહ્યા છે. જો કે અમદાવાદના દૂર દૂરના વિસ્તારોમાંથી આવેલા લોકો માટે મેટ્રો સુવિધા મોટી રાહત સમાન પુરવાર થઈ છે.