- નોરતાંની છઠ્ઠી રાત
- વિવિધ ગ્રાઉન્ડ્સમાં મોટા આયોજનોની ધૂમ
- ખેલૈયાઓ મન મૂકીને માણી રહ્યા છે નવરાત્રિ
આજે નવલી નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે. ત્યારે ગુજરાતભરમાં આજના નોરતે ખેલૈયાઓ હિલોળે ચડ્યા હોય એવો નજારો જોવા મળ્યો હતો. ગુજરાતનાં ચાર મોટાં શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં યુવાધન અવનવાં સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. ટ્રેડિશનલ ડ્રેસમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓનો હટકે અંદાજ કેમેરામાં કેદ થયો છે. હવે નવરાત્રિના ત્રણ નોરતાં બાકી રહ્યાં છે ત્યારે ખેલૈયાઓ પણ ગેલમાં આવી ગરબાની રમઝટ બોલાવશે.
જેમ જેમ નવરાત્રિના દિવસો જતા જાય છે, તેમ તેમ ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવતા જાય છે. વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ, મા શક્તિ અને યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાથી ઉભરાઈ ગયા હતા. પરંપરાગત આભૂષણોએ લોકોની આંખો આંજી દીધી હતી. શહેરના મોટા ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓએ જમાવટ કરી છે.
નવરાત્રિના પર્વના છઠ્ઠા નોરતે અમદાવાદ શહેરના જુદાં જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની ભારે ભીડ ઊમટી પડી હતી. રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં હતાં. દરેક ગરબા મહોત્સવમાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં. આ ઉપરાંત શહેરનાં તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો.
આમ તો રાજકોટ શહેરમાં વિવિધ મોટા ગ્રૂપ દ્વારા પણ ગરબા મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે. આ સાથે નાનાં બાળકો માટે પણ હવે તો સ્પેશિયલ આયોજન થઈ રહ્યું છે, નાના ખેલૈયાઓમાં આ આયોજને ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. દરેક આયોજક પોત પોતાના ગરબા ગ્રાઉન્ડનું ખૂબ જ ડેકોરેશન કરી આગવી ઓળખ ઊભી કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાનો આનંદ લાખો ખેલૈયાઓ લઈ રહ્યા છે.
રવિવારથી ભક્તિભાવપૂર્વક નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે મોટી સંખ્યામાં ગરબા રસિકોએ ગરબે ઘૂમી નવરાત્રિના આયોજનની મજા માણી હતી. નવરાત્રિમાં ગરબાના આયોજન સાથે ખાણીપીણીના સ્ટોલ ઉપર ગરમાગરમ ભજિયાં, સમોસા-ચાટ, પાણીપૂરી, પાપડીનો લોટ, સેવઉસળ અને પિઝા અને ઠંડી ઉડાડતી ચાનું વેચાણ કરાઇ રહ્યું છે. જેથી સ્વાદિષ્ટ વાનગીઓની જયાફત માણવા ગરબા રસિકોનો ભારે ધસારો શુક્ર-શનિ અને રવિવારે પણ જોવા મળશે.