- તાનાશાહ કિમ જોંગની ધમકીથી દુનિયામાં ફફડાટ
- જો ઉશ્કેરવામાં આવશે તો તે પરમાણુ હુમલો કરશે: કિમ
- કિમ જોંગ ઉને પરિક્ષણ કરનાર સૈનિકોને અભિનંદન પાઠવ્યા
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કોરિયાના તાનાશાહે કહ્યું હતું કે તેમના દેશની નીતિ એવી છે કે જો ઉશ્કેરવામાં આવશે તો તે પરમાણુ હુમલો કરવામાં જરાય ડરશે નહીં. ઉત્તર કોરિયાએ હાલમાં જ તેની લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. કિમ જોંગ ઉને પરિક્ષણ કરનાર સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
અમેરિકા અને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી
ઉત્તર કોરિયાએ ગયા વર્ષે જ પરમાણુ સિદ્ધાંત અપનાવ્યો હતો અને ત્યારથી કિમ જોંગ ઉન યુદ્ધની સ્થિતિમાં ઘણી વખત પરમાણુ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી ચૂક્યા છે. જો કે, ઘણા વિદેશી નિષ્ણાતોનો દાવો છે કે ઉત્તર કોરિયા પાસે હજુ પણ પરમાણુ મિસાઈલ ચલાવવાની ટેક્નોલોજી નથી તેથી તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકશે નહીં. સોમવારે ઉત્તર કોરિયાએ તેની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાએ આ પરીક્ષણને અમેરિકા અને દક્ષિણ કોરિયા માટે ચેતવણી ગણાવી છે. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા પરમાણુ હુમલાથી બચવા માટે રણનીતિ ઘડવા માટે બેઠક કરી રહ્યા છે.
લાંબા અંતરની મિસાઈલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન
ઉત્તર કોરિયાની એજન્સીના અહેવાલ અનુસાર, કિમ જોંગ ઉને બુધવારે જનરલ મિસાઇલ બ્યુરોના અધિકારીઓ અને સૈનિકો સાથે મુલાકાત કરી હતી અને બેલેસ્ટિક મિસાઇલ હવાસોંગ-18 મિસાઇલના સફળ પરીક્ષણ માટે તેમને અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન કિમ જોંગ ઉને કહ્યું કે, ઉશ્કેરણીની સ્થિતિમાં ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા ખચકાશે નહીં.
ગયા વર્ષે ઉત્તર કોરિયાએ એક કાયદો ઘડ્યો હતો જેમાં ઉત્તર કોરિયા કયા સંજોગોમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે તેનો ઉલ્લેખ કર્યો હતો. ઉત્તર કોરિયા વધુને વધુ પરમાણુ શસ્ત્રો અને સંબંધિત મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ 2022થી અત્યાર સુધીમાં લગભગ 100 બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આમાંથી ઘણા પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. આ વર્ષે Hwasong-18 બેલેસ્ટિક મિસાઈલનું આ ત્રીજું સફળ પરીક્ષણ હતું.


