- કુલ 93 કામોનાં રુ. 4,15,54,915 કરોડનું કૌભાંડ
- સરકારી ગ્રાંટ મેળવીને કરી હતી મોટી ઉચાપત
- આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી ગ્રાંટ લઈ કૌભાંડ
અત્યાર સુધી ખોટા સરકારી અધિકારીઓ અને ખોટા માણસ જ સામે આવતા હતા પરંતુ હવે જે ઘટના સામે આવી છે તે સૌ કોઈને ચોંકાવી શકે છે. જેમાં છોટા ઉદેપુરમાં આખી સરકારી ઓફિસ જ ખોટી ઊભી કરવામાં આવી અને સરકારને રુ. 4.15 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, એક આરોપીએ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની એક ખોટી સરકારી ઓફિસ શરૂ કરી સરકારની આદિજાતિ પ્રાયોજના વિભાગની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટ મેળવી 26 જુલાઈ 2022થી લઈ હાલ સુધી 93 કામોના 4 કરોડ 15 લાખથી વધુની ઉચાપત કરી હતી. હાલ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપીઓના 12 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે.
નોંધનીય છે અધિકારીઓ જ ખોટા ઊભા કરવામાં આવતા હતા પણ આખેઆખી કચેરી જ નકલી ઉભી કરી હોય એવી ઘટના સામે આવી છે. સંદીપ રાજપૂત નામના શખ્સે છોટાઉદેપુરમાં કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની કચેરી બનાવી હતી. જે બાદ સરકાર પાસેથી કુલ 93 કામના 4 કરોડ 15 લાખ રુપિયા ખંખેરી લીધા હતા. આરોપીએ 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરુ કર્યું હતું. જેનો હવે ભાંડો ફૂટ્યો છે.
હાલમાં આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પૂછપરછમાં વધુ કેટલાય ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. હાલ સુધી જે ખોટી ઓફિસ આરોપીઓની બોડેલી ખાતે બતાવવામાં આવી છે, તેની કોઈ પણ માહિતી સામે આવી રહી નથી એટલે કે ઓફિસ પણ કદાચ કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. તેમજ કેવી રીતે તેમને આ કરતૂતને અંજામ આપ્યો તે પણ પોલીસ માહિતી એકત્ર કરી રહ્યું છે.