- 7 નવેમ્બરે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો થયો
- 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ગાઝામાં લગભગ 10,000 વધુ લોકો માર્યા ગયા
- અત્યાર સુધીમાં લગભગ 25,000 લોકો ઘાયલ થયા અને હજારો લાપતા
આજે એટલે કે 7 નવેમ્બરે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો થઈ ગયો છે. જોકે આ સંઘર્ષ ઓછો થતો જણાતો નથી. હમાસે 7 ઓક્ટોબર 2023ના રોજ અચાનક ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 1400 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને હમાસના લડવૈયાઓએ 240 લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની ઘોષણા કરી હતી અને હમાસના અસ્તિત્વને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. તે દિવસથી ઇઝરાયેલી સેના ગાઝા પટ્ટીમાં ઘૂસી રહી છે અને હમાસના સ્થાનોને નિશાન બનાવી રહી છે. અત્યાર સુધીમાં ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટી પર અસંખ્ય બોમ્બ વરસાવી ચૂકી છે જેમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
ગાઝા પરના હુમલાના વિરોધમાં સમગ્ર વિશ્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને યુદ્ધને સમાપ્ત કરવાની માગણી થઈ રહી છે પરંતુ યુદ્ધવિરામની કોઈ શક્યતા જણાતી નથી. હવાઈ હુમલા બાદ ઈઝરાયેલે હવે ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ગાઝામાં લગભગ 10,000 વધુ લોકો માર્યા ગયા છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ સાથે અત્યાર સુધીમાં લગભગ 25,000 લોકો ઘાયલ થયા છે અને હજારો લોકો લાપતા હોવાનો અંદાજ છે.
ઇઝરાયેલે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ સંબંધી અપીલને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેણે કહ્યું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે આ સ્વીકારવું એ હાર સ્વીકારવા જેવું હશે. તો બીજી તરફ, હમાસના પ્રવક્તા અબુ ઓબૈદાએ શપથ લીધા છે કે ગાઝા ઇઝરાયેલી સેના માટે કબ્રસ્તાન અને સ્વેમ્પ બની રહેશે.
ગાઝા હોસ્પિટલમાં બ્લાસ્ટમાં 500ના મોત
પેલેસ્ટિનિયન કટ્ટરપંથી જૂથ હમાસ સાથે સંકળાયેલા આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે 16 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલે ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો જેમાં લગભગ 500 લોકો માર્યા ગયા હતા. હકીકતમાં તે સમયે, ગાઝા શહેરમાં ભીડભાડ અલ-અહલી અરબ બેપ્ટિસ્ટ હોસ્પિટલને હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવી હતી. હમાસે આ માટે ઈઝરાયેલની સેનાને જવાબદાર ઠેરવી હતી. જો કે ઈઝરાયેલે આ વાતનો ઈન્કાર કર્યો હતો.
જો બાઈડન અચાનક ઈઝરાયેલ પહોંચી ગયા
આ હુમલાની અસર એ થઈ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જોર્ડનના કિંગ અબ્દુલ્લા, પેલેસ્ટિનિયન અને ઈજિપ્તના નેતાઓ વચ્ચે જોર્ડનમાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ઈઝરાયેલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ નેતન્યાહૂને યુદ્ધના મુદ્દે મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું પોતે અહીં આવીને બતાવવા માંગતો હતો કે અમે ઈઝરાયેલ સાથે છીએ. હમાસે ઈઝરાયેલના લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. તેઓ ISIS કરતા પણ ખરાબ છે.આટલું જ નહીં ઇઝરાયલ પહોંચ્યા પછી જો બાઈડને સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે ઇઝરાયેલને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અમેરિકા તેમને દરેક રીતે સમર્થન કરશે.
વિશ્વ બે ભાગોમાં વિભાજિત
ભીષણ સંઘર્ષ વચ્ચે વિશ્વ ફરી એકવાર બે ભાગમાં વહેંચાયેલું જણાય છે. એક તરફ અમેરિકા અને યુરોપ ઈઝરાયેલની સાથે મક્કમતાથી ઉભા છે તો બીજી તરફ દુનિયાભરના ઈસ્લામિક દેશોએ ઈઝરાયેલની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત તેણે આડકતરી રીતે હમાસને પણ સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં આવનારા સમયમાં યુદ્ધનો વ્યાપ વધી શકે છે.
હાલમાં જ કતાર, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રીઓએ જોર્ડનના અમ્માનમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી અને તેમને ગાઝામાં બોમ્બમારો બંધ કરવા ઇઝરાયલને સમજાવવા કહ્યું હતું.
ઇઝરાયેલી સેના હમાસના લડવૈયાઓને પસંદ કરીને મારી રહી છે
7 ઓક્ટોબરના હુમલા બાદથી ઇઝરાયેલી સેનાએ હમાસના હજારો સ્થાનોને નષ્ટ કર્યા છે. આ સાથે ઈઝરાયેલે સેંકડો લડવૈયાઓને મારી નાખ્યા હતા. જેમાં હમાસના ટોચના કમાન્ડર અને ઇઝરાયેલ પર હુમલાનું કાવતરું ઘડનારા માસ્ટરમાઇન્ડ સામેલ છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલામાં દક્ષિણ ખાન યુનિસ બટાલિયનમાં નહબા ફોર્સના ટોચના કમાન્ડર બિલાલ અલ-કદ્રાને મારી નાખ્યો હતો. આ સાથે ઈઝરાયેલની સેનાએ 7 ઓક્ટોબરના હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાતા આસેમ અબુ રકાબાને પણ મારી નાખ્યો છે.


