ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી
PSI કેડરમાં ૨૪૧ ભરતી કરાશે : ગૃહ વિભાગ દ્વારા વધારાને મંજૂરી અપાઇ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની અગાઉ જાહેર કરાયેલી 3000 ભરતીમાં જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ તરફથી વધારાની જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં હવે લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ઉપરાંત PSI કેડરમાં પણ 241 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમ, બંને ભરતી મળીને કુલ 12,993 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં 23 નવેમ્બરના રોજ નવી સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
લોકરક્ષક કેડરની સાથે PSI કેડરની પણ ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ કુલ 241 જગ્યાઓ ભરવામાં આવશે. PSI કેડરની ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી હોવાનું જાહેરાતમાં જણાવાયું છે. આ ભરતી માટે ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
લોકરક્ષક કેડરની નવી જગ્યાઓ અંગેની જાહેરાતમાં અગાઉની ભરતીની અન્ય સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે. ભરતી સંબંધિત આગળની સૂચનાઓ, અરજી અને અન્ય વિગતો માટે ઉમેદવારોએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in જોવાની રહેશે.


