- દેશની તમામ બ્લડ બેન્કને સરકારે એડ્વાઈઝરી મોકલી આપી
- સરકારે એ મુદ્દા પર નિર્ણય કરાયો છે કે લોહી વેચવા માટે હોતું નથી
- લોહીની અછત અને રેર બ્લડ ગ્રૂપના સંજોગોમાં તો યુનિટદીઠ રૂ. 10,000 વસૂલવામાં આવે છે
દેશની હોસ્પિટલો અને ખાનગી બ્લડ બેન્ક્સમાં લોહીના બદલામાં મોટી રકમ વસૂલનારા લોકો પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારના નવા નિર્ણય હેઠળ બ્લડ બેન્ક અથવા હોસ્પિટલમાંથી લોહી લેવા માટે પ્રોસેસિંગ ફી સિવાય અન્ય કોઇ ચાર્જ વસૂલી શકાશે નહીં. સરકારે એ મુદ્દા પર નિર્ણય કરાયો છે કે લોહી વેચવા માટે હોતું નથી. સમગ્ર દેશની તમામ બ્લડ બેન્ક્સને આ એડવાઇઝરી મોકલી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર ફરિયાદો કરવામાં આવતી હતી કે રક્તદાન ન કરવાની સ્થિતિમાં બ્લડના દરેક યુનિટદીઠ રૂ. 2000થી 6000 વસૂલવામાં આવે છે. આ ઉપરાંત લોહીની અછત અને રેર બ્લડ ગ્રૂપના સંજોગોમાં તો યુનિટદીઠ રૂ. 10,000 વસૂલવામાં આવે છે. આ ઉપરાંત લોહીની સામે લોહી આપ્યા બાદ પણ લોકો પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવે છે. પણ હવે નવા આદેશને પગલે ફક્ત પ્રોસેસિંગ ફી જ લઇ શકાશે, કે જે બ્લડ યુનિટ માટે રૂ. 250થી લઇને રૂ. 1550 હોય છે. પ્લાઝમા અને પ્લેટલેટ માટે આ ફી દરેક પેક દીઠ રૂ. 400 રહેશે. ક્ષેત્રના નિષ્ણાતો અનુસાર સરકારનો આ નિર્ણય દર્દીઓ માટે અનુકૂળ છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ થેલેસિમિયા, સિકલ સેલ એનિમિયા જેવા રક્ત વિકારોના કારણે નિયમિત રક્ત સંક્રમણમાંથી પસાર થતાં હોય છે.


