શરીર ફિટ રાખવા તેલની માલિશ અનેક રીતે ફાયદાકારક છે. આર્યુવેદમાં પણ કહે છે કે સવારે સ્નના કરતા પહેલા માલિશ કરવી જોઈએ. ખાસ કરીને રાત્રે પગના તળિયે માલિશ કરવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તંદુરસ્ત રહેવા પૌષ્ટિક આહાર અને હળવી કસરત ઉપરાંત દિનચર્યામાં કેટલીક વસ્તુઓ જરૂર સામેલ કરવી જોઈએ. વર્ષો પહેલા ઋષિમુનિઓ રાજા મહારાજના સમયમાં શરીર પર માલિશ કરવાની પરંપરા હતી. આજના સમયમાં જ્યારે લોકો સ્પા અને સલૂનમાં વિવિધ પ્રકારના બાથ લે છે તે પણ માલિશનો જ એક ભાગ કહી શકાય.
આયુર્વેદ નિષ્ણાતનું સૂચન
વ્યસ્તજીવનશૈલીના કારણે લોકોને સવારના સમયમાં વધારે સમય હોતો નથી. એટલે તમે રાત્રે સૂતા પહેલા માલિશ કરી સુંદરતા અને સ્વસ્થતા મેળવી શકો છો. આયુર્વેદ નિષ્ણાતે રાત્રે સૂતા પહેલા પગ પર તેલ લગાવવાથી શરીરને કેટલા ફાયદા થશે તે જણાવ્યું. જો આ રીતે અને આ ખાસ તેલનો ઉપયોગ કરવામાં આવે તો જ તે વધુ અસરકારક સાબિત થાય છે. પગના તળિયે કરાતી તેલ માલિશથી શારીરિક સ્વસ્થતા સાથે માનસિક તણાવમાં પણ રાહત મળે છે.
રાત્રે પગે માલિશ કરવાના ફાયદા
રાત્રે પગના તળિયે તેલ માલિશ કરવાથી પગનું શુષ્કતાપણું અને તળિયાની તિરાડો દૂર થશે. એવું કહેવાય છે કે મગજ તેજ કરવું હોય તો પગની વધુ સંભાળ રાખો. કારણ કે શરીરની ચેતાઓના મૂળ પગમાં હોય છે. પગે તેલ માલિશ કરતા ચેતાઓને પોષણ મળે છે અને શરીરમાં ઠંડક પ્રસરે છે. શરીરમાં થતી દાહ શાંત થતા મનને પણ આરામ મળે છે. અને તણાવ ઓછો થતા રાત્રે સારી ઉંઘ આવે છે. આ ઉપરાંત આંખનું સ્વાસ્થ્ય સુધારવા, કમરના દુખાવા કે સાયટીકાના દુખાવામાં રાહત મેળવવા જરૂરથી પગલમાં તેલની માલિશ કરવી જોઈએ. નિયમિતપણે રાત્રે તેલની માલિશ કરવાથી ચહેરામાં ચમક આવે છે. આટલા ફાયદા થતા હોવાથી તમારા દિનચર્યામાં આજથી જ આ માલિશ કરવાની શરૂઆત કરો.


