હે ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનધ ।
એતદ્ બુદ્ધવા બુદ્ધિમાન્સ્યાકૃતકૃત્યશ્ચ ભારત ॥ ભગવદ્ગીતા(15/20)
નિષ્પાપ અર્જુન! આમ આ ઘણું જ ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું છે, તેને જાણીને માણસ જ્ઞાની (જ્ઞાત જ્ઞાતવ્ય) તથા પ્રાપ્ત પ્રાપ્તવ્ય અને કૃતકૃત્ય થઇ જાય છે. અર્જુનને નિષ્પાપ એટલા માટે કહેવામાં આવ્યો છે કે તેઓ દોષદૃષ્ટિથી રહિત છે. દોષદૃષ્ટિ કરવી એ પાપ છે. એનાથી અંતઃકરણ અશુદ્ધ થાય છે. જે દોષદૃષ્ટિથી રહિત હોય તે જ ભક્તિનો અધિકારી છે.
ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્યનો સ્વાંગ ધારણ કરીને અવતરીત થાય છે અને એવો વર્તાવ કરે છે કે અજ્ઞાની મનુષ્યો તેમને જાણી શકતા નથી. (ગીતા : ૭/24) સ્વાંગમાં પોતાનો વાસ્તવિક પરિચય ગુપ્ત રાખવામાં આવે છે, પરંતુ ભગવાને 15/18માં પોતાનો વાસ્તવિક પરિચય આપીને અત્યંત ગોપનીય વાત પ્રગટ કરી દીધી કે હું જ પુરુષોત્તમ છું એટલા માટે આ અધ્યાયને ગુહ્યતમ કહેવામાં આવ્યો છે.
શાસ્ત્રમાં મોટાભાગે સંસાર-જીવાત્મા અને પરમાત્માનું વર્ણન આવે છે. આ ત્રણેનું વર્ણન ગીતાના પંદરમા અધ્યાયમાં કરવામાં આવ્યું છે એટલા માટે આ અધ્યાયને શાસ્ત્ર પણ કહેવાય છે. સર્વશાસ્ત્રમયી ગીતામાં ફક્ત આ અધ્યાયને જ શાસ્ત્રની ઉપાધિ મળેલ છે. આમાં પુરુષોત્તમનું વર્ણન મુખ્ય હોવાના કારણે આ અધ્યાયને ગુહ્યતમ શાસ્ત્ર કહેવામાં આવ્યો છે. આ ગુહ્યતમ શાસ્ત્રમાં ભગવાને પોતાની પ્રાપ્તિના છ ઉપાયોનું વર્ણન કરેલ છે. સંસારને તત્ત્વથી જાણવો, સંસાર સાથે માનેલા સંબંધનો વિચ્છેદ કરીને એક ભગવાનના શરણે જવું, પોતાનામાં સ્થિત પરમાત્મા તત્ત્વને જાણવું, વેદાધ્યયન દ્વારા તત્ત્વને જાણવું, ભગવાનને પુરુષોત્તમ જાણીને સર્વ રીતે તેમનું ભજન કરવું અને સંપૂર્ણ અધ્યાયને તત્ત્વથી જાણવો.
દરેક અધ્યાયની સમાપ્તિમાં મહર્ષિ વેદવ્યાસજીએ પુષ્પિકા લખી છે કે `ૐ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોઙધ્યાયઃ’ જે શ્રીમદ્ ભગવદ્ગીતાના વિશેષ માહાત્મય અને પ્રભુત્વને પ્રગટ કરે છે. ૐ તત્સત્ એ ત્રણેય સચ્ચિદાનંદ ઘન પરમાત્માનાં પવિત્ર નામો છે. ગીતાનો પાઠ કરવામાં શ્લોક, પદ અને અક્ષરોના ઉચ્ચારમાં જે જે ભૂલો થઇ છે એનું શુદ્ધીકરણ કરવા માટે અને સંસારથી સંબંધ વિચ્છેદ કરવા અને ભગવત્સંબંધની યાદ આવવા માટે દરેક અધ્યાયના અંતે ૐ તત્સત્નું ઉચ્ચારણ કરવામાં આવે છે. અધ્યાયના અંતે ૐનું ઉચ્ચારણ કરવાનો અર્થ એ છે કે મારી રચનાના અંગભૂતદોષો દૂર થાય. તત્ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના ભગવત-પ્રેમ માટેની બને અને સત્ના ઉચ્ચારણનો અર્થ છે મારી રચના સત્ એટલે કે અવિનાશી ફળ આપનારી બને. ઇતિ-બસ મારું આ જ પ્રયોજન છે, આ સિવાય મારું વ્યક્તિગત કોઇ પ્રયોજન નથી. શ્રીમદ્ એટલે જે સર્વશોભાસંપન્ન છે અને જેનામાં સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય – આ છ ભાગ નિત્ય વિદ્યમાન રહે છે એવા ભગવાનના મુખેથી નીકળેલી હોવાથી તેને શ્રીમદ્ ભગવત્ કહેવાયેલ છે.


