- કાર ચાલક દિલીપ વાઘેલા ચિક્કાર દારુ પીધેલી હાલતમાં હતો
- અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા ગોતાની રહેવાસી હતી
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે
અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના એસજી હાઈવે પર આવેલા જગતપુર પાસે એક દારુડિયા કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. દારુડિયાએ બેફામ કાર હંકારતા અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને મહિલા સાથેના બાળકનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માતમાં ટુ-વ્હીલર ચલાવતી મહિલાનું ઘટના સ્થળે જ મોત
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદના જગતપુર પાસે દારૂડિયાએ સર્જ્યો અકસ્માત. ટુ-વ્હીલર પર આવતી મહિલાને દારુડિયા કાર ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માતમાં ટુ-વ્હીલર ચલાવતી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દારુડિાયા કાર ચાલકે બેફામ કાર હંકારતાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજતાં સ્થાનિક રાહદારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
દિલીપ વાઘેલા ચિક્કાર દારુ પિધેલો હતો
વધુમાં, કાર ચાલક દિલીપ વાઘેલા નામના ચિક્કાર દારુ પિધેલા દારુડિયાને રાહદારીઓએ ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માત મોતમાં જાન ગુમાવનાર મહિલા ગોતાની રહેવાસી હતી અને આ મહિલાનું નામ મીતા પ્રજાપતિ હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બેફામ કાર હંકારનાર દારુડિયા કાર ચાલકને ઝડપી પાડીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
અમદાવાદમાં હિટ એન્ડ રન
અત્રે ઉલ્લેખનીય છે કે, અવારનવાર અમદાવાદમાં અકસ્માત મોતની ઘટનાઓ જોવા મળે છે. ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં થોડાં દિવસ અગાઉ અમદાવાદના હાથીજણ પાસે આવેલા પુષ્પક સિટી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ પર પૂરપાટ ઝડપે જતી આઈસરે બાઈક સાથે બે યુવકનો અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે કિશનસિંહ વાઘેલા નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું.


