- પીએમ મોદી આવશે ગુજરાત
- અંબાજી માતાજીના મંદિરે કરશે દર્શન
- ખેરાલુમાં વિશાળ જનસભાનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 30 ઓક્ટોબરના રોજ સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યારબાદ વડાપ્રધાન 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં પીએમ મોદી માતાજીના દર્શન કરશે અને ત્યાર બાદ ખેરાલુમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ ગાંધીનગર પરત ફરીને રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
એકતા પરેડમાં હાજરી આપશે પીએમ મોદી
31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડીયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે વડોદરાથી દિલ્હી પરત જવા રવાના થશે. ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ પીએમ મોદી સરદાર સાહેબને અંજલિ પણ અર્પશે.
વિકાસકાર્યોનું લોકાર્પણ
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે પીએમ મોદીની વિશાળ જનસભા છે. આ દરમિયાન 4778 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણનું પણ આયોજન છે. જેના પછી ખેરાલુમાં મોટી સંખ્યામાં પીએમ મોદીને સાંભળવા આવનાર લોકો માટે એક મોટી જનસભાનું આયોજન પણ છે. વડાપ્રધાન મોદી મહેસાણાની મુલાકાતે આવતા હોવાથી લોકોમાં તેમને આવકારવા માટે અનેરો ઉત્સાહ છે.
તંત્ર એલર્ટ મોડ પર
વડાપ્રધાનના આગમનને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જેમાં સભા સ્થળે 100થી વધુ CCTV કેમેરા અને 2000થી વધુ જવાનોનું સુરક્ષાકવચ ગોઠવામાં આવશે. CCTV કેમેરાથી તંત્ર સતત ચાંપતી નજર રાખશે. આ આખી સભાનું સતત મોનિટરિંગ કરવામાટે ખાસ કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
તડામાર તૈયારીઓ શરૂ
હાલ પીએમ મોદીનો ખેરાલુ ખાતે કાર્યક્રમ હોઈ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે તો આ કાર્યક્રમને લઈ જિલ્લા તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ તો અંબાજીના દાંતા ખાતે હેલિપેડ પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પીએમ મોદી અંબાજી મંદિર ખાતે માતાજીને શિશ નમાવી તેમના આશિષ લેશે. ડભોઇ હાલ પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું હોવાથી વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાત લઈ 4778 કરોડના વિકાસ કામોના શ્રી ગણેશ કરશે. મહેસાણા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આના પછી પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડીયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એકતા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે. કેવડીયા ખાતે પણ વિવિધ સુવિધાઓનુ લોકર્પણ અને ખાતમુર્હૂત કરશે.