- સમુદ્રકિનારે મહિલાઓના યોગ
- હમાસ સાથે ચાલી રહ્યું છે ભયંકર યુદ્ધ
- ઈઝરાયેલી મહિલાઓ આવી સાથે
હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા અને માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે એકતામાં ઇઝરાયેલની મહિલાઓએ તેલ અવીવના બીચ પર સામૂહિક યોગ કર્યા છે. પરંતુ હમાસ સામે ચાલી રહેલા ભયંકર યુદ્ધની વચ્ચે જે રીતે ઈઝરાયેલી મહિલાઓએ આ યોગ દ્વારા એકતા દર્શાવી છે તે ખરેખર કાબિલેતારીફ છે અને પ્રેરણાદાયક છે.
મહત્વનું છે કે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે એક મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન કરી હમાસના સ્થાનોને નષ્ટ કરી રહ્યા છે. દરમિયાન, સૈનિકો 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા લોકોના મૃતદેહો શોધી રહ્યા છે અને જે પણ જીવંત લોકો હમાસની કેદમાં છે તેમને બચાવવા માટે ઈઝરાયેલની સેના ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે.
હમાસે 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. હમાસ દ્વારા કેટલાક બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ હજુપણ ઘણાં બંધકો હમાસની કેદમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે ઈઝરાયેલની સેનાને બંધકોના મૃતદેહ મળ્યા બાદ ચિંતા વધુ વધી ગઈ છે. આ દરમિયાન ઈઝરાયેલની મહિલાઓએ તેલ અવીવના કિનારે સામૂહિક યોગ કર્યા છે. હમાસ અને તેમના પરિવારો દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકો સાથે એકતા દર્શાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે હમાસ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે પણ એકતા દર્શાવવામાં આવી હતી. યોગ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓએ પીડિતાના ફોટોગ્રાફ તેમની સામે રાખ્યા હતા.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી હમાસ અને ઈઝરાયેલની વચ્ચે યુદ્ધ બંધ કરાવીને યુદ્ધવિરામ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સાથે અનેક દેશો અને સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે. આ દેશોમાં કતારનું નામ પણ સામેલ છે. પરંતુ આ યુદ્ધવિરામની સંભાવના વધવાના બદલે ઘટતી જઈ રહી છે. આ બધાની વચ્ચે અમેરિકાએ તેના પર હુમલા કરનાર ઈરાન સમર્થિત લડાકૂ સંગઠનો પર હુમલો કર્યા બાદ મધ્યપૂર્વમાં હવે સમીકરણો બદલાયા છે. અત્યાર સુધી હમાસની તરફેણમાં બોલતું ઈરાન પણ ઠંડુ પડી ગયું છે અને હમાસ એકલું લાગી રહ્યું છે. ઈઝરાયેલ હવે ઉત્તરી ગાઝા બાદ દક્ષિણ ગાઝામાં પણ કાર્યવાહી કરવાના મૂડમાં જણાઈ રહ્યું છે. ત્યારે આ યુદ્ધ સ્ટોપ થવાના બદલે વધુ વકરે તેવી શક્યતાઓ ઉદ્ભવી રહી છે.


