- પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
- ન્યૂ વાસણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
- નિર્દોષ નાગરિકોની પજવણીની બની રહી છે ઘટનાઓ
અમદાવાદમાં હજુ ગઈકાલે જ દશેરાની પૂર્ણાહુતિ થઈ છે. નવરાત્રીના દિવસો દરમિયાન શહેરના આબાલવૃદ્ધ સહિત યુવાધન સંગીતના તાલ સાથે રાસની રમઝટના હિલોળે ચડ્યું હતું, ત્યારે અમદાવાદની ન્યૂ વાસણા વિસ્તારની એક સોસાયટીમાં અસામાજિક તત્વોએ આવીને તબાહી મચાવી દીધી હતી. જેના દૃશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હકીકતે આ લોકોએ પાર્ક થયેલા કાર અને ટુવ્હીલરના કાચ તોડી નાખ્યા હતા. જાણે કે આ કાર્યવાહીથી તેઓ પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા હતા.
અમદાવાદમાં હાલના દિવસોમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જ જઈ રહ્યો છે. રોડ પર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ અથવા અન્ય કોઈ પણ જાહેર જગ્યાએ આ તત્વો દ્વારા શહેરના નિર્દોષ નાગરિકોની પજવણી કરવાની, યુવતીઓની છેડતી કરવાની અને સિનિયર સીટીઝન સાથે ચીલઝડપ કરવાની અનેક ઘટનાઓ સામે આવી છે. આજ શ્રેણીમાં એક નવી ઘટનાનો ઉમેરો થયો છે. જેના સમાચાર અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તારથી સામે આવી રહ્યા છે.
અહીંની સ્વામિનારાયણ પાર્ક 3 સોસાયટીમાંથી અસામાજિક તત્વો દ્વારા તોડફોડની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાની માહિતી પ્રમાણે 10 જેટલા લોકો બાઈક પર આવીને સીધા સોસાયટીની અંદર ઘૂસી ગયા હતા અને સોસાયટી કમ્પાઉન્ડમાં પડેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આ તોડફોડના કારણે ઘણાં નાગરિકોના વાહનોને નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી છે. અસામાજિક તત્વોનો આ ખુલ્લો આતંક સીસીટીવી કેમેરાના દૃશ્યોમાં કેદ થઈ ગયો છે. આ અજાણ્યા લોકોએ શા માટે આવું કામ કર્યું અને આવો કાંડ કરવા પાછળ તેમનો હેતુ શું હતો તેને લગતી કોઈ જાણકારી સામે આવી નથી. તેમજ આ લોકોની ઓળખ થઈ હોવાની પણ કોઈ જાણકારી મળી નથી. આ લોકોએ સોસાયટી કમ્પાઉન્ડમાં પાર્ક થયેલા વાહનો પર પોતાનું ખુન્નસ ઉતાર્યું હતું અને તેના કાચ ફોડી વાહનોને નુકસાન કર્યું હતું.
હાલ પોલીસ ટીમને આ ઘટના બાબતની જાણકારી પહોંચાડી દેવામાં આવી છે. પોલીસે સૂચના મળતા જ ઘટનાસ્થળે આવીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી હતી. આ મામલે પોલીસે સોસાયટીના લોકોની પૂછપરછ પણ કરી હતી અને પોલીસે આ સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. આ સમગ્ર આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે એટલે પોલીસે આ દૃશ્યોના આધારે તપાસ શરૂ કરી દીધી છે.