- કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છતાં આ વેપલો અટકતો નથી
- ડ્રગ્સ માફિયાઓ પર સ્થાનિક પોલીસ છુપા આશિર્વાદ રાખી રહી છે કે કેમ
- સુરત શહેર અને જિલ્લો બંને ડ્રગ્સના વેપલાથી ઓળખાઇ રહ્યા છે
ડ્રગ્સનું હોમટાઉન બનેલા સુરતમાં ફરી માદક પદાર્થ ઝડપાયો છે. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાંથી લાખોના અફીણનો જથ્થો પકડાયો છે. ગ્રામ્ય એસઓજીએ રૂપિયા 26 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ છે. આમ તો ખેતી વાડી અને હીરા ઉદ્યોગતરીકે ઓળખાતું સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર પણ હાલ સુરત શહેર અને જિલ્લો બંને ડ્રગ્સના વેપલાથી ઓળખાઇ રહ્યા છે.
કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છતાં આ વેપલો અટકતો નથી
ગત દિવસોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છતાં આ વેપલો અટકતો નથી. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલ નવા હળપતિવાસમાં સુરત ગ્રામ્ય એસઓજીએ રેડ કરી હતી. જ્યાં પિન્ટુ કેસરિમલ લુહાર નામના ઈસમ પાસેથી 5 કિલો માદક પદાર્થ એવો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 5 કિલો અફીણ તેમજ અન્ય સામાન મળી 26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ પિન્ટુ લુહારની પણ અટકાયત કરાઈ હતી. લાખોની માત્રામાં મળી આવેલ અફીણના જથ્થા અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. મહત્વની બાબત એ છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ હળપતિ આવાસ ભાડે રાખ્યું હતું. અને કરિયાણાની દુકાનની આડમાં અફીણ વેચી રહ્યો હતો. તેમજ અફીણનો વેપાર કરનાર યુવક પિન્ટુ શિક્ષિત હોય તેમ મેડિકલમાં પ્રવેશ માટે નિટની તૈયારી કરી રહ્યો હોવાની વિગત સામે આવી હતી. જે આવાસ ભાડે રાખ્યું એ લાભાર્થી સામે પણ કાર્યવાહી જરૂરી થઈ પડે છે.
ડ્રગ્સ માફિયાઓ પર સ્થાનિક પોલીસ છુપા આશિર્વાદ રાખી રહી છે કે કેમ
અફીણનો જથ્થો પલસાણાના વરેલી ગામે સાંઈદર્શન સોસાયટીમાં રહેતો બુધારામ દેવરામજી બિશનોઈએ પિન્ટુ લુહારને આપ્યો હતો. જેથી પોલીસે બુધારામ બિશનોઈને વોન્ટેડ જાહેર કર્યો છે. એસઓજીની કાર્યવાહી દરમિયાન સ્થાનિક કડોદરા પોલીસની પણ કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ગત દિવસોમાં પણ પલસાણાના સોયાણી ગામેથી કરોડોનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું. છતાં પણ સ્થાનિક વિસ્તારમાં ડ્રગ્સનું દુષણ ડામવામાં પલસાણા તેમજ કડોદરા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી છે. ક્યાં તો ડ્રગ્સ માફિયાઓ પર સ્થાનિક પોલીસ છુપા આશિર્વાદ રાખી રહી છે કે કેમ તે બાબત પણ તપાસનો વિષય બની રહી છે.