આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
મેઘાણીના ગ્રંથોમાં ફોરમ છે અને એ ફોરેનમાં પણ મહેકે છે
માનસમાં જે સાતકૂળ છે એ મને મેઘાણીમાં દેખાયા છે
‘માનસ મેઘાણી’ રામકથાનું સમાપન, હવે પછીની રામકથા તા.૨૧-3-૨૬ થી તા.૨૯-3-૨૬ દરમ્યાન માધાપર (કચ્છ)ની ભૂમિ પર યોજાશે
મેઘ જેવી વાણીના વરદાયક-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૈતૃક ગામ બગસરાની પાવનભૂમિ પર મેઘાણીના પુણ્ય સ્મરણમાં પ્રવાહિત થયેલી રામકથા ‘માનસ મેઘાણી’નું ગઇકાલે ભાવવાહી વાતાવરણમાં સમાપન થયું હતું. પ્રિય બાપુની હવે પછીની રામકથા ‘કચ્છડો બારે માસ’ની માધાપરની ધીંગીધરા પર તા.૨૧-3-૨૫ થી તા.૨૯-3-૨૦૨૬ દરમ્યાન યોજાશે.
સાતમા દિવસની તા.૧3-3-૨૦૨૬ રામકથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું કે હમણા-હમણાની દરેક રામકથામાં શાંતિ ઘણી રહે છે, લોકો શાંતિથી કથા સાંભળી રહ્યાં છે પણ બગસરાની કથામાં વિશેષ શાંતિ રહે છે પંખાના અવાજ આવે છે પણ પંખીડાઓનો અવાજ નથી આવતો! ‘અસ્મિતાપર્વ’, દર્શક દાદા (મનુભાઇ પંચોળી)નું વર્ષો પૂવેનું એક સ્મરણ કરતાં પ્રિય બાપુ બોલ્યાં કે એક વખત મનુદાદ મને કહે કે બાપુ, તમારી કથા, તમારા વિશે તો બધાં ઘણાં સખે છે પણ તમે તમારા વિશે વાત લખો., મેં કહ્યું દાદા, મને લખવું ન ફાવે, તો કહે તમારી પાસે હરિન્દ્ર છે ને? તમે બોલતા જાઓ અને એ લખતો જાય! દાદાએ શિર્ષક પણ આપ્યું કે ‘મોરારીદાસ હરિયાણા’ રચયિતા-મોરારિબાપુ વર્ષો પેલાનું આ સ્મરણ, પણ મારે કાંઇ લખવું નથી, મારે તો સમાજને લખવો છે!
સંજયભાઇએ હમણા કહ્યું કે બાપુની કથનશૈલી ‘શતરૂપ’ છે, એમને બૌ ગમ્યું, ખરેખર. પણ મારી પાસે પાંચ જ પધ્ધતિ છે (શતરૂપા નથી) અને મારા કથનમાં પાંચ ‘પ’ કાર છે અને આ પાંચેય ‘પ’ મને પ્રભુ પરમાત્મા, મારા પરમ પુરૂષ અને પવનપુત્ર પાસેથી પ્રાપ્ત થાય છે. (૧) પાટ (૨) પાટલો, (3) પોથી, (૪) પાટીયુ અને (પ) પ્રવચન. આ પાંચ ‘પ’ જ મારી પાસે છે. જરૂર તમારો અભ્યાસ-સંશોધનથી તમે કહો છો કે ‘શતરૂપા’ કથન શૈલી છે તો એનો પણ હું અભ્યાસ કરીશ. મેઘાણીભાઇમાં મને પાંચ લક્ષ્ણો દેખાયા છે. એના શબ્દ-વાણીમાં (૧) શબ્દ (૨) સ્પર્શ (3) રસ (૪) રૂપ અને (૫) ગંધ છે. મેઘાણીના શબ્દનો સ્પર્શ આપણા અંદરના કેમીકલ્સ બદલી નાખે છે!
રામકથાના આઠમા દિવસે શનિવારે (૧૪-3-૨૦૨૬) કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતાં પ્રિય બાપુએ દેરડી ગામના એક શિક્ષકે મને બે પ્રશ્નો પૂછયાં છે કે બાપુ, કથા શરૂ થઇ જાય ત્યારે આટલી મોટી સંખ્યા શાંત રહે છે એનું કારણ શું? જવાબ : તમે સિનેમા જોવા મળે છે અને ફિલ્મ શરૂ થાય ત્યારે બધાં જ લોકો શાંત થઇ જાય છે. ચલચિત્ર જોતા લોકો શાંત થઇ જાય તો આ તો અચલ ચરિત્રની કથા છે એટલે લોકો શાંત થઇ જાય, રામના ચરિત્ર-અચલ ચરિત્રોની આ કથા છે. બીજો પ્રશ્ન : બાપુ, આપે માનસ મેઘાણી એ વિષય કેમ પસંદ કર્યો? જવાબ: રામચરિત માનસમાં સાતકૂળ-નવકૂળની વાત છે. (૧) રઘુકૂળ (૨) જનકફળ (3) કુલક્ષફળ (૪) કથિકૂળ (૫) કવિકૂળ (૬) સાધુકૂળ અને (૭) મનકૂળ તો મેઘાણીભાઇ ના શબ્દ, સાહિત્યમાં મને આ સાત કૂળના દર્શન થાય છે. મેઘાણી યાજ્ઞિક છે. એણે કેટકેટલા યજ્ઞો કર્યા છે. દ્રવ્યયજ્ઞ (આંસુ પણ એક દ્રવ્ય છે) સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાનયજ્ઞ આદી આદી યજ્ઞો મેઘાણીએ કર્યા છે. ભલે સ્થૂળરૂપે નહીં પણ સૂક્ષ્મરૂપે એ યજ્ઞો થયા છે.
નવમા દિવસની ગઇકાલે, સમાપન દિવસની રામકથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા બાપુએ કહ્યું હતું કે યજ્ઞ, દાન, તપકર્મ કયારેય ન છોડવા, શાસ્ત્રો કહે છે આ ત્રણ કદીય ન છોડશો. યજ્ઞકર્મ, દાનકર્મ અને તપકર્મ. મેઘાણીભાઇએ જીવનભર આ કર્મ કર્યુ છે. સૂક્ષ્મરીતે ભારત સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા કરનારો દેશ છે. મેઘાણીભાઇ અમરેલીના એક જયોતિષ બ્રાહ્મણની વાત લખી છે. એક ગામધણી એ બ્રાહ્મણને પોતાના દરબારમાં બોલાવે છે અને પૂછે છે કે મેં સાંભળ્યું છે કે તમે ભવિષ્યવેતા-જયોતિષી છો, તો મને કહો મારૂ મૃત્યુ કયારે છે? બ્રાહ્મણ દેવ બોલ્યા છે. આપનું મૃત્યુ ૨૯ દિવસ પછી થવાનું છે! સભા તો સ્તબધ થઇ ગઇ, બધા ચિંતામાં પણ પડી ગયા. ગામ ધણીએ કીધું કે જો તમારૂ ભવિષ્ય કથન ખોટું પડયું તો? તો તમને સજા કરીશ. ભૂદેવ કહે ભલે, ગામધણી કહે કેવી રીતે મૃત્યુ થશે? બ્રાહ્મણ કહે વીજળી પડશે. સાત દિવસ બાકી હતાં. બધા લોકો એક મોટી ગુફામાં જતાં રહ્યાં. પછી ધીમે ધીમે લોકો બહાનું બતાવી બતાવી એક જણ ગુફામાંથી નીકળ્યા લાગ્યા? ગામધણી પાસે ચાર-પાંચ બુઢીયા-વૃધ્ધો જ રહ્યાં, એમની સાથે ૨૯મો દિવસ આવ્યો. આકાશ વાદળો જમવા લાગ્યાં, લોકો ગુફા તરફ જોવા લાગ્યાં. ત્યાં તો એ સાંઢણ ઉપર બે બારવટીયાઓ આવ્યા, લોકોને પૂછયું કે શું ભેગા થયા છો? શું થયું છે? લોકોએ કહ્યું કે ગુફામાં ગામધણી છે. એક બ્રાહ્મણે ભવિષ્ય ભાખ્યું છે કે ગામધણી ઉપર વીજળી પડશે અને ગામધણીનું મૃત્યુ થશે. ત્યારે એક બારવટીયો બોલ્યો, સારૂ ભલે મૃત્યુ થાતું, ગામધણી એ જ લાગનો છે! ત્યારે બીજો બારવટીયો મૃત્યુ થાતું, ગામધણી એ જ લાગનો છે! ત્યારે બીજો બારવટીયો બોલ્યો કે એવું ન કહેવાય, ભલે આપણો દુશ્મન છે પણ અત્યારે એ મુસીબતમાં છે એમ કહીને એ બારવટીયાએ સાંઢણી પલાણી એને ડુંગરની ગુફા તરફ હંકારી. અને ત્યાં વીજળી પડી ત્યારે ગામધણીને ધક્કો મારીને પોતે એ વીજળી પોતાના માથે લઇ લીધી અને હોમાય ગયો! ગામધણીને તો આશ્ચર્યનો પાર ન રહ્યો. મેઘાણીભાઇ લખે છે કે ગામધણીએ બ્રાહ્મણ દેવતાને દાન આપ્યું. ગામ આપ્યાં. વારસાઇ આવી અને કહે છે કે આજ સુધી એ બ્રાહ્મણ પરિવારને વારસાઇ પરંપરા ચાલુ રહી છે.
બ્રાહ્મણ હોય એ પોતાના આશ્રિતોનું રક્ષણ શાસ્ત્રોથી કરે છે. ક્ષત્રિય, શસ્ત્રો કરે છે, વૈશ્ય આશ્રિતનું છત્ર બનીને એનું રક્ષણ કરે છે અને મને ક્ષુદ્ર શબ્દ નથી ગમતો હું શૃધ્ધ શબ્દ કહુ છું. ક્ષુદ્ર નહીં પણ શૃધ્ધ સેવક એ સંદેશવાહક બનીને આશ્રિતોની સેવા કરે છે અને સાધુ ચારે પ્રકારે આશ્રિતોની સેવા કરે છે.
કથાપ્રવાહમાં કાગભૂસુંડીજીના ન્યાયે માનસના સાતેય સોપાનોની ચર્ચા સંક્ષિપ્તમાં કહીને બાપુએ રામકથાને વિરામ આપ્યો હતો. પ્રિય બાપુની હવે પછીની રામકથા કચ્છની ભૂમિ પર માધાપરની ધરતી પર તા.૨૧-3-૨૬ થી તા.૨૯-3-૨૬ દરમ્યાન યોજાશે. અસ્તુ. જય સિયારામ…પ્રણામ…
કથા રત્નો
(૧) આકાશમાં તારા છે, પણ ધરતી પર તારા કેટલા છે? જીતુભાઇ દ્વારકાવાળા
(૨) મારે કાંઇ લખવું નથી, મારે સમાજને લખવો છે!
(3) સારૂ મન હોય એને બધુ ગમે, નબળા મનને કહું ન ગમે!
(૪) હું તમને મારા પોતાના માનું છું, તમારી ખબર નથી!
(૫) દીકરાઓ બાપને કેટલા રાખતા હશે? પણ દીકરીયું બહુ રાખે છે
(૬) શબ્દ રામને પણ જન્માવે અને રાવણને પણ જન્માવે!
(૭) ભારત દેશ સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા કરનારો દેશ છે
(૮) ભરોસાની ભાગીરથી જેણે પીધી છે એણે બાજું કશું ય પીવાની જરૂર નથી
(૯) મેઘાણીએ ચોપડા નથી જોયા, ઝૂંપડા જોયા છે


