- સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝનો ચોંકાવનારો રિપોર્ટ
- ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ
- નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોના થયા છે સૌથી વધુ મોત
પાકિસ્તાનમાં આતંકવાદ સતત વધી રહ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (CRSS)ના લેટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે.
3 મહિનામાં 245 હુમલામાં 432 લોકોના મોત
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં 2024ના પ્રથમ ક્વાર્ટરમાં આતંકવાદી હુમલા અને આતંકવાદ વિરોધી કાર્યવાહીની કુલ 245 ઘટનાઓ સામે આવી. આ હુમલાઓ અને કાર્યવાહીમાં 432 લોકોના મોત અને 370 લોકો ઘાયલ થયા હતા. માત્ર ત્રણ મહિનામાં જ 432 લોકોના મોતનો આ આંકડો દર્શાવે છે કે પાકિસ્તાન આતંકવાદનું હબ બની ગયું છે.
ખાસ કરીને અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્રણ મહિનામાં આ વિસ્તારોમાં 90 ટકાથી વધુ મૃત્યુ અને 86 ટકા હુમલા થયા છે. રિપોર્ટ દર્શાવે છે કે આ સ્થળોની સરખામણીમાં પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં વાતાવરણ પ્રમાણમાં શાંત રહ્યું છે. બાકીના વિસ્તારોમાં 8 ટકાથી ઓછા મૃત્યુ થયા છે. 2024ના પ્રથમ ક્વાર્ટરમાં પાકિસ્તાનમાં સરકારી અને ખાનગી મિલકતોને નિશાન બનાવવાની 64 ઘટનાઓ બની હતી.
બલૂચિસ્તાનની હાલત કફોડી
2024ના પ્રથમ ક્વાર્ટરમાં બલૂચિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં 96 ટકાનો આશ્ચર્યજનક વધારો થયો છે. 2023 ના છેલ્લા ક્વાર્ટરમાં બલૂચિસ્તાનમાં કુલ 91 લોકોના મોત થયા છે. આ વર્ષે આ સંખ્યા વધીને 178 થઈ ગઈ છે. બીજી તરફ સિંધ વિસ્તારમાં પણ હિંસામાં લગભગ 47 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હિંસામાં ઘટાડો થયો હતો.
ગત વર્ષે, અહીં એક દાયકામાં સૌથી વધુ મૃત્યુ થયા હતા, જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં એક નવું આતંકવાદી સંગઠન ઉભરી આવ્યું છે, જેનું નામ જાભાત અંસાર અલ-મહદી ખોરાસન (JAMK) છે.
31 માર્ચ, 2024 ના રોજ, ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લામાં દાસુ ડેમ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાંચ ચીની નાગરિકો અને એક સ્થાનિક ડ્રાઈવર માર્યા ગયા હતા.
સૌથી વધુ નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોના મોત
વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં 245 આતંકવાદી હુમલા અને આતંકવાદ વિરોધી ઘટનાઓ બની હતી. આ 200 આતંકવાદી હુમલાઓમાં 281 પાકિસ્તાની લોકો અને સુરક્ષા દળોના મોત થયા છે. બાકીની 45 આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં, 151 મૃત્યુ આતંકવાદીઓના થયા હતા. સુરક્ષા અધિકારીઓ અને નાગરિકો પર હુમલાની સંખ્યા આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલા સુરક્ષા ઓપરેશન કરતા લગભગ ચાર ગણી વધારે છે.
જો વર્ષ 2023 ના છેલ્લા ક્વાર્ટર સાથે સરખામણી કરવામાં આવે તો જાણવા મળે છે કે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નાગરિકો અને સુરક્ષા અધિકારીઓના મૃત્યુમાં 17 ટકાનો વધારો થયો છે. તેનાથી વિપરીત, આતંકવાદીઓના મૃત્યુમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો છે. એવું જોવામાં આવ્યું છે કે આતંકવાદીઓ અને વિદ્રોહી જૂથોનું મુખ્ય લક્ષ્ય સરકારી અને સુરક્ષા સંસ્થાઓ હતા. તેમાં ગ્વાદર પોર્ટ કોમ્પ્લેક્સ, માચ જેલ અને તુર્બત નેવલ બેઝનો પણ સમાવેશ થાય છે.


