- પાકિસ્તાનમાં આતંકીઓ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું
- હથિયારો લઈને પોલીસ સ્ટેશનમાં ઘુસી આવેલા આતંકીઓના ગોળીબારમાં બે પોલીસ કર્મીઓના મોત
- પાકિસ્તાની સૈન્યએ મોટી કાર્યવાહી કરતા સાત આતંકીઓને ઠાર માર્યા
પાડોશી દેશમાં આતંકવાદી હુમલા મોટી વાત નથી. ગમે ત્યારે ગમે ત્યાં આવા આતંકવાદી હુમલાઓ થતા હોય છે. જો કે આ વખતે ઉત્તર-પશ્ચિમમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન પર આતંકવાદી હુમલો કર્યો. જેમાં પોલીસ સ્ટેશનના અધિકારી સહિત બે પોલીસ કર્મીઓના મોત થયા હતા. ઘાતક હથિયારો સાથે આવેલા આતંકવાદીઓએ રાત્રે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. પાકિસ્તાનના સૌથી આતંકવાદ પ્રભાવિત લક્કી મરવત જિલ્લાના બરગઈમાં આ હુમલો થયો હતો. એક પોલીસ કર્મીનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્યું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આતંકવાદીઓ હુમલા પહેલા પોલીસ સ્ટેશન પાસે એક ઘરમાં સંતાયા હતા.
આતંકવાદીઓએ સંતાઈને હુમલો કર્યો
પાકિસ્તાનમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં અન્ય એક હુમલામાં આતકંવાદીઓએ સૈન્યના વાહનોને ટાર્ગેટ બનાવ્યું હતું. જેમાં સવાર બે જવાનના મોત થયા અને ત્રણ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના મદ્દી વિસ્તામાં સુરક્ષાદળોના કાફલા પર ઓચિંતો હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં તાબડતોબ ખસેડવામાં આવ્યા હતા.
પાકિસ્તાની સૈન્યએ કરી મોટી કાર્યવાહી
આ દરમિયાન ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના સાત આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું કે, કુર્રમ જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની ગોપનીય જાણકારીના આધારે તેઓની સામે ઝૂંબેશ ચલાવામાં આવી હતી. સુરક્ષાદળો તરફથી કરેલી કાર્યવાહીમાં સાત આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, જ્યારે પાંચ આતંકી ઈજાગ્રસ્ત થયા હતા. આતંકવાદીઓના ગોપનીય ઠેકાણાઓની પણ માહિતી સામે આવી હતી અને ત્યાંથી ભારે પ્રમાણમાં હથિયાર, દારુગોળો અને વિસ્ફોટક જપ્ત લેવામાં આવ્યો હતો.


