- પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓ માટે લગ્નની ઉંમર વધારવામાં આવી
- આ કાયદો પાકિસ્તાનમાં લાગુ થઈ જશે
- 1872ના કાયદામાં પાકિસ્તાને સુધારો કર્યો
પાડોશી દેશ પાકિસ્તાનમાં ગત રોજ ખ્રિસ્તી પુરુષો અને સ્ત્રીઓ માટે લગ્નની લઘુત્તમ કાયદેસરની ઉંમર વધારીને 18 વર્ષ કરી દીધી છે. ઉંમરમાં આ વધારો 1872માં લાગુ કરાયેલા કાયદામાં સુધારા બાદ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ બંધારણની કલમ-75 હેઠળ ક્રિશ્ચિયન મેરેજ (એમેન્ડમેન્ટ) એક્ટ 2024ને સંમતિ આપી છે. જેથી હવે આખા દેશમાં આ કાયદો લાગુ થઈ જશે.
મળતી માહિતી અનુસાર, આ એક્ટ ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872ની કલમ 60માં સુધારો કર્યા બાદ લાગુ કરવામાં આવ્યો છે. નવા કાયદા હેઠળ, ખ્રિસ્તી સમુદાયમાં સ્ત્રી અને પુરુષ બંને માટે લઘુત્તમ વય 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. અગાઉ ખ્રિસ્તી પુરુષો અને સ્ત્રીઓની ઉંમર અનુક્રમે 16 અને 13 વર્ષ નક્કી કરવામાં આવી હતી. જેથી આને લીધે ઘણી બધી સમસ્યાઓ સામે આવતી રહેતી હતી. જો કે આ કાયદા બાદ ખ્રિસ્તી સમુદાય માટે સારો નિર્ણય આવ્યો છે.
પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ આ મહિનાની શરૂઆતમાં લગ્ન માટે લઘુત્તમ કાયદેસરની ઉંમર વધારીને 18 કરવા માટે અવાજ મત દ્વારા મંજૂરી આપી હતી. માનવાધિકાર કાર્યકર્તાઓ અને વિવિધ ખ્રિસ્તી સંગઠનોએ ખ્રિસ્તીઓ માટે લગ્નની લઘુત્તમ વયમાં વધારાને આવકાર્યો છે.
પાકિસ્તાનમાં 9 મેના રમખાણોના કેસમાં ખુલ્લી સુનાવણી થવી જોઈએઃ કુરેશી
પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ATCમાં 9 મેના રમખાણો સંબંધિત કેસમાં ઇન-કેમેરાના બદલે ખુલ્લી સુનાવણીની માંગ કરી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉપાધ્યક્ષ કુરેશી પર ઈસ્લામાબાદના શાદમાન પોલીસ સ્ટેશન પર હુમલાને ઉશ્કેરવાનો આરોપ છે.
ગત વર્ષે ઈમરાનની ધરપકડ બાદ 9 મેના રોજ પીટીઆઈના કાર્યકરોએ દેશભરમાં તોડફોડ કરી હતી. પંજાબ પોલીસે ગયા અઠવાડિયે કુરેશીને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી લાહોરની કોટ લખપત જેલમાં તબદીલ કરી હતી. આ કેસની સુનાવણી સોમવારે કોટ લખપત જેલમાં આતંકવાદ વિરોધી કોર્ટ (ATC)માં થઈ હતી.
લાહોરના ન્યાયાધીશ ખાલિદ અરશદે કુરેશી અને અન્ય આરોપીઓના વકીલોને ફરિયાદ પક્ષના સાક્ષીઓની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મોટા ભાગના સાક્ષીઓ પોલીસકર્મીઓ છે. પીટીઆઈના ઉપપ્રમુખ કુરેશીએ કોર્ટને ખુલ્લી સુનાવણી માટે વિનંતી કરી. કુરેશીએ તેમની લેખિત વિનંતી રજૂ કર્યા પછી, કોર્ટે કહ્યું કે કોર્ટ તેના પર વિચાર કરશે અને સુનાવણી 25 જુલાઈ સુધી મુલતવી રાખી છે.


