- પાકિસ્તાનમાં અશાંત વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વામાં વરસાદને લીધે અત્યાર સુધી 24નાં મોત, 17 ઘાયલ
- લાહોર શહેરમાં 14 ઈંચ વરસાદને લીધે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ
- લાહોર શહેરમાં છેલ્લા 44 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટયો
પાડોશી દેશ પાકિસ્તામાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેથી ચારેબાજુ હાહાકાર મચી છે. પાકિસ્તાનના મુખ્ય શહેર એવા લાહોરમાં છેલ્લા 44 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. લાહોર શહેરમાં એરપોર્ટ સહિત ઘણા વિસ્તારોમાં થોડા કલાકમાં જ 14 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકયો હતો જેથી અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરકારી અધિકારીએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન એક જ દિવસમાં વધુમાં વધુ વરસાદનો રેકોર્ડ આજે તૂટી ગયો છે. 29 જુલાઈ ગુરુવારથી ખૈબર પખ્તૂનખ્વાના જુદાજુદા વિસ્તારોમાં થયેલા વરસાદમાં 24 લોકોનાં મોત થયા હતા અને 17 ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાન હવામાન કચેરી પ્રમાણે લાહોર શહેરમાં ત્રણ કલાકમાં આશરે 14 ઈંચ કરતાં વધુ વરસાદ તૂટી પડયો છે. આ અગાઉ પહેલી જુલાઈ 1980માં ત્રણ કલાકમાં 332 મિમિ વરસાદ નોંધાયો છે. જો કે આજે ખાબકેલા વરસાદે રેકોર્ડ તોડી નાખ્યો છે.
પાકિસ્તાન હવામાન કચેરીએ પહેલીથી છ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન દક્ષિણી પંજાબના મોટાભાગના જિલ્લામાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ખાબકશે. પાકિસ્તાન હવામાન કચેરીએ વધુમાં જણાવ્યું કે ચોમાસાના વરસાદને લીધે નદીઓ, જળાશયો, નહેરમાં પાણીનું સ્તર ખૂબ વધી રહ્યું છે. એકથી ચાર ઓગસ્ટ સુધી ઝેલમ નદીનું જળસ્તર ભયંકર હવે વધી પૂરની ચેતવણી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 30 જુલાઈએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદથી એક બાળક સહિત પાંચ મહિલાઓનાં મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પંજાબના સીએમ કાર્યાલય તરફથી અપાયેલા એક નિવેદનમાં કહેવાયું કે પાણી કાઢવાની સૂચના અધિકારીઓને આપી દેવામાં આવી છે. પાણી અને સ્વચ્છતા એજન્સી તેમજ જિલ્લા વહીવટી તંત્ર સામૂહિક રીતે ચોમાસાના વરસાદ માટે કામ કરી રહ્યા છે.
મરિયમ ઔરંગજેબે જણાવ્યું કે, પંજાબ પ્રાંતની સીએમ મરિયમ નવાઝની સૂચના પ્રમાણે પાણીના નિકાલ માટે પંપ અને બીજી જરૂરી મશીનરી પૂરી પાડવા માટે નક્કી કરાયું છે. તેઓએ કહ્યું કે હોસ્પિટલને ઝેરી જનાવરો કરડયા પછી બચાવ માટે દવાઓ તેમજ રસીના જથ્થાને પુરો પાડવામાં આવ્યો છે.


