- PSLની 16 મેચમાં બંને ટીમોની જીતની ટકાવારી બતાવી
- ટકાવારીમાં જીતની શક્યતા 101 ટકા દર્શાવવામાં આવી
- બીજી ટીમની જીતની ટકાવારી -1 ટકા દર્શાવવામાં આવી
પાકિસ્તાન સુપર લીગ 2024 રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટની 16મી મેચ 29 ફેબ્રુઆરીએ રમાઈ હતી. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં કરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન, સ્ક્રીન પર કંઈક એવું દેખાયું જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા. ચાહકોને PSL 2024 દરમિયાન પાકિસ્તાનની ગણતરીનો નમૂનો જોવાનો મોકો મળ્યો છે, આ ગણતરી જોઈને તમે પણ દંગ રહી જશો. પાકિસ્તાનની ગણતરીની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
કરાચી કિંગ્સે 166 રનનો આપ્યો ટાર્ગેટ
PSL 2024ની 16મી મેચ દરમિયાન અંતિમ ક્ષણોમાં મેચ ખૂબ જ રોમાંચક બની હતી. ક્વેટા ગ્લેડીયેટર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી કરાચી કિંગ્સે 20 ઓવરની રમત બાદ 8 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ક્વેટા ગ્લેડીયેટર્સને જીતવા માટે 20 ઓવરમાં 166 રન બનાવવાની જરૂર હતી. ક્વેટા માટે જેસન રોયે 31 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 ફોર અને 4 સિકસ પણ ફટકારી હતી. આ સિવાય શેરફેન રધરફોર્ડે પણ 58 રનની અણનમ ઇનિંગ રમી છે. દરમિયાન, અંતે, જ્યારે ક્વેટાને જીતવા માટે 2 બોલમાં 3 રન બનાવવાની જરૂર હતી, ત્યારે સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર કંઈક એવું જોવા મળ્યું જે તમને હસાવશે.
જીતના ચાન્સ 101 ટકા
આ રોમાંચક ક્ષણમાં ક્વેટા ગ્લેડીયેટર્સની જીત લગભગ નિશ્ચિત જણાતી હતી. ક્વેટાને જીતવા માટે 2 બોલમાં 3 રનની જરૂર હતી, જે દરમિયાન રધરફોર્ડ ફિફ્ટી ફટકારીને અણનમ રમી રહ્યો હતો. ક્વેટા મેચ જીતશે તેવું સ્પષ્ટ દેખાતું હતું. આ દરમિયાન, સ્ટેડિયમ સ્ક્રીન પર બંને ટીમોની જીતની ટકાવારી બતાવવામાં આવી હતી. જીતની ટકાવારીમાં ક્વેટા ગ્લેડીયેટર્સની જીતની શક્યતા 101 ટકા દર્શાવવામાં આવી હતી. જ્યારે, કરાચી કિંગ્સની જીતની ટકાવારી -1 ટકા દર્શાવવામાં આવી હતી. આ જોઈને ચાહકો દંગ રહી ગયા હતા. પાકિસ્તાનની આ ગણતરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ફેન્સે પાકિસ્તાનની મજાક ઉડાવી
જીતની ટકાવારી જોઈને સોશિયલ મીડિયાના ચાહકોને પાકિસ્તાનની ઘણી મજાક ઉડાવી હતી. ‘ઇટ્સ કિંગ એલ્ફ’ નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું કે જેવો દેશ તેવો વેશ. ‘કેરીકેટર’ નામના યુઝરે કહ્યું કે આ સુપર પ્રીમિયર લીગનું સુપર પ્રીમિયમ કેલ્ક્યુલેટર છે. દિવ્યેશે કહ્યું કે આ લોકો પહેલેથી જ માઈનસમાં છે. અન્ય યુઝરે લખ્યું કે આ સાચું છે.


